અમદાવાદઃ અમદાવાદમાં અગનવર્ષા થઈ રહી હોય એવી ગરમી પડી રહી છે. રવિવારે અમદાવાદ શહેરનું તાપમાન 42.8 ડિગ્રી રહ્યું હતું. હવામાન ખાતાની આગાહી અનુસાર હજું પણ ચાર દિવસ તાપમાન વધશે. જે ધ્યાને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જોકે, તારીખ 28-30ના સમયગાળા વચ્ચે છૂટોછવાયો વરસાદ થવાની પૂરી શક્યતા છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધારે ગરમી રાજકોટમાં અનુભવાઈ હતી. રાજકોટ શહેરનું તાપમાન રવિવારે 41.1 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ઉત્તર ગુજરાતના પાટણમાં 41.0 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમરેલી 40.8 ડિગ્રી, વડોદરા 40.6, ભાવનગર 37.6, ભૂજ 38.8, ડીસા 40.2 અને સુરત 34.2 ડિગ્રી સાથે ગરમ રહ્યા છે.
ભેજ ઘટ્યોઃ અમદાવાદ શહેરના તાપમાનમાં સામાન્ય તાપમાન કરતા 1 ડિગ્રીનો વધારો નોંધાયો છે. જેના કારણે દિવસભર રીતસરની ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ખાસ કરીને સાંજે બફારો અનુભવાઈ રહ્યો છે. જાણે શહેર અગનભઠ્ઠીમાં ફેરવાયું હોય એવો માહોલ જોવા મળે છે. બપોરના સમયે શહેરના મુખ્ય રસ્તાઓ પર કુદરતી રીતે કર્ફ્યૂ જોવા મળી રહ્યો છે. આકરા તાપને કારણે મોટાભાગના લોકો દિવસ દરમિયાન બહાર નીકળવાનું ટાળે છે.
ટાઢકનો અહેસાસ: વેપાર વ્યવસાયને બાદ કરતા બીજા લોકો ઘરમાં કે ઓફિસમાંથી બહારના કામ ઓછામાં ઓછ સમયમાં પૂરા થાય અને વધારે સમય સુધી તડકામાં ન ફરવું પડે એ પ્રકારને આખા દિવસનું આયોજન કરી રહ્યા છે. ખાનગી સંસ્થાની એક આગાહી અનુસાર તારીખ 25 સુધીમાં અમદાવાદ શહેરનું તાપમાન 42 ડિગ્રી સુધી રહેવાની સંભાવના છે. જોકે, બપોરના સમય બાદ હવામાનમાં પલટો આવવાના એંધાણ છે. જોકે, વહેલી સવારે અનુભવાતો ભેજ ઘટી જતા ટાઢકનો અહેસાસ ઓછો થઈ રહ્યો છે.
સુકું વાતાવરણઃ રાજ્યના હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આવનારા ચાર દિવસ સુધી અમદાવાદ શહેર રાજ્યના ત્રણેય મુખ્ય ઝોનમાં વાતાવરણ સુકુ રહેશે. તાપમાનમાં કોઈ વધારે પડતો ફેરફાર નહીં થાય. જૂન મહિનાના બીજા અઠવાડિયામાં નૈઋત્યના ચોમાસાનું આગમન થશે. આ વખતે ચોમાસું ગુજરાતમાં સામાન્ય કરતા થોડું સારૂ રહેશે. સૌરાષ્ટ્રના શહેરમાં સાંજના સમયે પવન ફૂંકાવવાને કારણે થોડી રાહત મળી રહે છે. બીજી બાજું વેકેશનનો માહોલ અને વીકએન્ડ હોવાને કારણે લોકો આસપાસના-નજીકના સ્થળ પર જોવા મળ્યા હતા. ગાર્ડન, ટેકરીઓ, રીવરફ્રન્ટ અને હાઈવે પરના પ્રવાસન સ્થળ પર મોટી સંખ્યામાં લોકો ફેમિલી સાથે ફરતા જોવા મળ્યા છે.