અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટમાં આ સમગ્ર મામલે તારીખ 11 ઓગસ્ટે સુનાવણી હાથ ધરાશે. જોકે અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહને મેટ્રો કોર્ટમાં પણ 11 તારીખે જ ઉપસ્થિત રહેવા માટે સમન્સ આપવામાં આવ્યું છે. અરવિંદ કેજરીવાલ દ્વારા અર્જન્ટ મેટરમાં હાઇકોર્ટમાં આ રીટ દાખલ કરવામાં આવી છે અને અર્જન્ટ હિયરિંગની માંગ કરવામાં આવી હતી.
અમદાવાદ કોર્ટમાં અરજી: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ ગુજરાત યુનિવર્સિટીએ કરેલા બદનક્ષી કેસમાં વચગાળાની રાહત મેળવવા માટે અમદાવાદ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ કેસમાં આજે સુનાવણી હાથ ધરાઈ હતી. જોકે સુનાવણી દરમિયાન સેશન્સ કોર્ટે કેજરીવાલને કોઈ પણ રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. ગુજરાત યુનિવર્સિટીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિગ્રી મામલે જે મેટ્રો કોર્ટમાં બદનક્ષીનો દાવો કર્યો છે. તેમાં સમન્સ પાઠવ્યા હતા તે રદ કરવા માટે અરવિંદ કેજરીવાલે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. પરંતુ સેશન્સ કોર્ટે કોઈ રાહત આપી નથી.
શું છે સમગ્ર કેસ: આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે ડિગ્રી માંગી હતી અને જાણવા માંગ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદી કેટલું ભણેલા છે. આ બાબતે ગુજરાત યુનિવર્સિટી પાસેથી પીએમ નરેન્દ્ર મોદીની ડિગ્રી સર્ટિફિકેટની માંગ કરવામાં આવી હતી. પીએમ મોદીની ડિગ્રી બાબતે જન સૂચના અધિકારી ગુજરાત યુનિવર્સિટી તેમજ દિલ્હી યુનિવર્સિટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગ્રેજ્યુએશન તથા પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રીની વિગતો જાહેર કરવાનો નિર્દેશ આપ્યો હતો.
મેટ્રો કોર્ટમાં માનહાનિ: જે સમગ્ર કેસ ગુજરાત હાઇકોર્ટમાં ચાલ્યો હતો. જોકે ગુજરાત હાઇકોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડીગ્રી જાહેર કરવાની કોઈ જ જરૂર નથી. એવો મનાઈ હુકમ કરીને આ કેસનો નિકાલ કર્યો હતો. જોકે ત્યારબાદ દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલે યુનિવર્સિટીને લઈને વિવાદ પર નિવેદન આપતા યુનિવર્સિટીએ મેટ્રો કોર્ટમાં માનહાનિ નોંધાવો કર્યો હતો. જેમાં હાલ આ કેસમાં મેટ્રો કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. તારીખ 11 ઓગસ્ટના રોજ કેજરીવાલને હાજર થવા માટે કોર્ટે હુકમ આપ્યો છે.