અમદાવાદ : હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં 15, 16 અને 17 તારીખે ભારે વરસાદની આગાહી કરાઈ છે, ત્યારબાદ 18,19 અને 20 જુલાઈએ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે, તો મધ્ય ગુજરાતના અમદાવાદમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં બે રાઉન્ડ પૂર્ણ થયા છે અને હવે ગુજરાતને ઘમરોળવા મેઘરાજા તૈયાર થઈ ગયા છે, ત્યારે 18 જુલાઈથી મેઘરાજાનો ત્રીજો રાઉન્ડ શરૂ થવાનો છે જેમાં ફરીથી મેઘતાંડવ જોવા મળી શકે છે.
અતિભારે વરસાદની આગાહી ક્યા વિસ્તારમાં : ઉત્તર, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. ત્યારે ગુજરાતના વલસાડ, નવસારી, દમણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, જામનગર, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હાલ બંગાળના ઉપસાગરમાંથી 2 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં આ પ્રમાણે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રમાં આજે ભારે વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ભરૂચ વડોદરામાં ભારે વરસાદની સંભાવનાઓ છે, જ્યારે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ રહેશે. 18 જુલાઈ બાદ વરસાદનું જોર વધવાની શક્યતાઓ છે. જ્યારે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ વરસાદ રહેશે. હાલ અમદાવાદમાં થંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ રહી શકે છે. - ડૉ મનોરમા મોહંતી (હવામાન વિભાગ)
ગુજરાતમાં કેટલો વરસાદ : રાજ્યમાં ચોમાસુ શરૂ થતાં સિઝનનો હાલ સુધી 60 ટકા ઉપર વરસાદ નોંધાયો છે. વળી ફરીથી ગુજરાતમાં ત્રીજા રાઉન્ડમાં વરસાદની તૈયારી છે, ત્યારે આગામી 3 દિવસ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની હવામાનની આગાહી કરાઈ છે. 18 જુલાઈથી ગુજરાતમાં વરસાદની ત્રીજી ઇનિંગ શરૂ થશે. જેને પગલે હાલ 16 જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવેલું છે. ચોમાસાના ત્રીજા રાઉન્ડ માટેની આગાહી સાથે હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે નવી આગાહી જાહેર કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આજે અમદાવાદમાં વરસાદની શક્યતા છે.