અમદાવાદ: રાજ્યમાં આગામી સમયમાં વરસાદી વાતાવરણની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાલની આગાહી અંગે વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ રહી શકે છે. પરંતુ હાલ ભારે વરસાદની કોઈ સંભાવના નથી.
બંગાળની ખાડીમાં સર્જાયું ડીપ ડિપ્રેશન: આવનારા દિવસોમાં ગુજરાતમાં વરસાદી વાતાવરણ વચ્ચે ચોમાસાની ઋતુનો અહેસાસ રહી શકે છે. હાલ આકાશમાં ઘેરાયેલા વાદળોને કારણે ક્યાંક વરસાદ તો ક્યાંક સૂકું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જોકે હાલ ગુજરાતમાં તેજ પવન છે. જેનું મુખ્ય કારણ બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનના કારણે પણ ગુજરાતમાં ભારે પવન જોવા મળી રહ્યો છે. પરંતુ આ ડીપ ડિપ્રેશન ગુજરાત તરફ આવવાની હાલ કોઈ સંભાવના જોવા મળી નથી રહી.
અમદાવાદમાં ઝરમર વરસાદ થશે: ગત માસમાં જે રીતે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો હતો. ગુજરાતમાં ચોમાસાનું વાતાવરણ તો રહેશે પરંતુ ભારે કે અતિભારે વરસાદ જોવા મળે તેવી કોઈ શક્યતા હાલ દેખાતી નથી. અત્યારે તો મધ્યમ વરસાદ પુરા ગુજરાતમાં રહે તેવી શક્યતાઓ છે. જોકે હાલ અમદાવાદમાં પણ ઝરમર વરસાદ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
અત્યાર સુધીમાં 92 ટકા જેટલો વરસાદ: રાજ્યમાં વરસાદ સામાન્ય રહેશે તેવું હવામાન વિભાગ દ્વારા અનુમાન લગાડવામાં આવ્યું છે. ત્યારે હવે આવનારા દિવસોમાં બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે ગુજરાતમાં કોઈ અસર થવાની નથી. જેથી આગામી દિવસોમાં ક્યાંક વરસાદી ઝાપટું જોવા મળી શકે છે. જોકે અત્યાર સુધી સિઝનમાં ચોમેર વરસાદી વાતાવરણ વચ્ચે માહોલ ઠંડો જોવા મળી રહ્યો છે. આવનારા દિવસોમાં હાલ ક્યાંય ભારે વરસાદની આગાહી નથી. હાલના નોંધાયેલા આંકડા વિશે વાત કરીએ તો રાજ્યમાં અત્યાર સુધીમાં 92 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. અને આવનારા દિવસોમાં વરસાદની ગતિ કેવી રહેશે તે જોવું રહ્યું.