અમદાવાદ : ગુજરાતમાં ચોમાસાના અંતિમ ચરણમાં અનેક વિસ્તારોમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ મૂડમાં જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ભારે વરસાદને કારણે હાલ ગુજરાતના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સતત વરસી રહેલા વરસાદ બાદ હજુ પણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
અતિભારે વરસાદની આગાહી : લો પ્રેશર સિસ્ટમ હાલ પશ્ચિમ રાજસ્થાન સુધી પહોંચી છે ત્યારે સર્ક્યુલેશનના કારણે હાલ ગુજરાતમાં વરસાદ જોવા મળી રહ્યો છે. જો કે હાલ કચ્છ અને મોરબીમાં અતિથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો દ્વારકા, પોરબંદર, જામનગર અને રાજકોટમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જૂનાગઢ, સુરેન્દ્રનગર, પાટણ અને બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
ભારે વરસાદની આગાહી : હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલે કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી સાથે અમદાવાદમાં બંને દિવસ સામાન્ય વરસાદની આગાહી કરાઇ છે. ગુજરાતમાં મેઘરાજાનો નવો રાઉન્ડ પણ ધમધોકાર રહ્યો છે. રાજયમાં સાર્વત્રિક મહેર વચ્ચે સિઝનનો 100 ટકા વરસાદ વરસી ગયો છે.
ચોમાસાનો વરસાદ સરેરાશ પડી ગયો : સતાવાર રીપોર્ટમાં રાજયમાં ચોમાસાનો સરેરાશ-નોર્મલ વરસાદ થઈ ગયાનું જાહેર કરાયું છે. હજુ ચાર-પાંચ દિવસ વરસાદની આગાહીને ધ્યાને લેતાં ગુજરાતમાં ચોમાસાનો વરસાદ નોર્મલ કરતા પણ અધિક થઈ જવાનું અનુમાન છે. જ્યારે હાલ પણ ચોમાસુ સક્રિય હોવાથી કેટલીક જગ્યાએ ભારે વરસાદને પગલે કુલ આંક વધવાની સંભાવના જોવા મળી રહી છે.
ચોવીસ કલાક દરમ્યાન સાર્વત્રિક વરસાદ : ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. 251માંથી 249 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્રમાં સોરઠ તથા ઉતર ગુજરાતમાં સાંબેલાધાર વરસ્યો હતો. સૌથી વધુ 12 ઈંચ વિસાવદરમાં નોંધાયો હતો. જયારે મેંદરડામાં આઠ ઈંચ વરસ્યો હતો.પાટણનાં રાધનપુરમાં 8 ઈંચ, મહેસાણાના બેચરાજી, બનાસકાંઠાના ભાભર, મહેસાણામાં સાત-સાત ઈંચ હતો. જૂનાગઢનાં વંથલીમાં 6 ઈંચ પાણી વરસ્યું હતું. બનાસકાંઠાનાં દિયોદરમાં તથા ડીસામાં સાડા ચાર ઈંચ, વિસનગરના વિજાપુર, થરાદ, વડગામમાં ચાર ચાર ઈંચ વરસાદ પડી ચૂક્યો છે. ટૂંકમાં સમગ્ર ગુજરાતમાં આ વર્ષે મેઘરાજા મહેરબાન થતાં સાર્વત્રિક વરસાદની મેઘમહેર જોવા મળી છે.