અમદાવાદ: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 22 માર્ચ,2020થી 30 જૂન,2020 દરમિયાન લેવાનારી તમામ પરીક્ષાઓ કોરોના વાઇરસ મહામારીના કારણે રદ્દ કરવામાં આવી હતી. જેની જાહેરાત અને સુધારેલી તારીખો 20 જૂન,2020ના રોજ આયોગની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આ અંગેની જાણ ઉમેદવારોને 29 મે,2020 ના રોજ કરવામાં આવી હતી.
કોરોના વાઇરસના કારણે હજી સુધી તે પરીક્ષાઓનું નવું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું નથી. આ મુદ્દે ગુજરાત જાહેર સેવા આયોગે જણાવ્યું હતું કે, ગુજરાત જાહેર સેવા આયોગનું તંત્ર કોરોના વાઇરસની મહામારીની વ્યવસ્થામાં વ્યસ્ત રહ્યુ હતું. ત્યારે બીજી તરફ આ વાઇરસના કારણે સોશિયલ ડિસ્ટન્સ રાખીને પરીક્ષા લેવામાં તકલીફ પડી રહી છે. આ ઉપરાંત પરીક્ષા કેન્દ્ર મેળવવામાં પણ મુશ્કેલી થઇ રહી છે.
આ સાથે જ અત્યારે બાકી રહેલી પરીક્ષાઓનું આયોજન કરવું શક્ય નથી. તેથી નવી તારીખો ગુજરાત જાહેર સેવા આયોગની વેબસાઇટ પર આગામી સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે. જો કે જાહેર સેવા આયોગ દ્વારા તે મુદ્દે કોઈ નિશ્ચિત તારીખ આપવામાં આવી નથી. પરંતુ ઉમેદવારોને આયોગની વેબસાઇટ સતત ચેક કરવા માટે જણાવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાયેલી કેટલીક પરીક્ષા જેમ કે, નાયબ મામલતદારનું પરિણામ હજી સુધી જાહેર કરવામાં આવ્યું નથી. તો કેટલીક પરીક્ષાઓ લેવાઇ ચૂકી છે, તેના પરિણામો જાહેર થઈ ચૂકયા છે.પરંતુ ઉમેદવારોને હજી સુધી પોસ્ટિંગ આપવામાં આવ્યું નથી.
ગુજરાત રાજ્યમાં જાહેર સેવાની ભરતીને લઇને ઉમેદવારો દ્વારા આંદોલન પણ શરૂ કરવામાં આવ્યુ છે.પરંતુ સરકાર પાસે નવી ભરતીને લઈને પગાર ચૂકવવાની પણ વ્યવસ્થા નથી. તેથી જાહેર સેવા આયોગના આ વલણને લઈને ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે.