અમદાવાદઃ શહેરમાં બનતા ચોરી, લૂંટ, હત્યા, બળાત્કાર, માદક દ્રવ્યોની હેરફેર કે આતંકવાદી હુમલા જેવા ગુના ઉકેલવામાં પોલીસની કાર્યવાહીમાં સૌથી વધુ મદદગાર નીવડે છે સ્નિફર ડોગ સ્ક્વોડ. આરોપીને સુંઘીને શોધવા ઉપરાંત આ ડોગ સ્ક્વોડ નાર્કોટિક્સ અને વિસ્ફોટક શોધી કાઢવામાં પણ બહુ નિષ્ણાંત હોય છે. વર્ષ 1968માં ગુજરાત પોલીસમાં ડોગ સ્ક્વોડની સ્થાપના થઈ હતી.અમદાવાદના સૈજપુર ખાતે SRP કેમ્પમાં ડીજીપી હસ્તકનું ગુજરાતનું એકમાત્ર ડોગ ટ્રેનિંગ સેન્ટર આવેલુ છે. અહીં ટ્રેઈન્ડ પોલીસ કર્મચારીઓ, 2 કરાર આધારીત આર્મી ઓફિસર્સ ડોગને ટ્રેઈન્ડ કરી રહ્યા છે.
સૈજપુર SRP કેમ્પમાં ટ્રેનિંગઃ અમદાવાદના સૈજપુર સ્થિત SRP કેમ્પમાં સ્નિફર ડોગને ઉત્તમ ટ્રેનિંગ આપવામાં આવે છે. આ ડોગને ટ્રેનિંગ આપવા ખાસ ડોગ હેન્ડલર હાજર રહે છે. ડોગ હેન્ડલર દ્વારા ડોગને પરેડ, ડેઈલી રુટિન, એક્સરસાઈઝ વગેરેની સઘન ટ્રેનિંગ પૂરી પાડવામાં આવે છે. આ હેન્ડલર ડોગને હંમેશા અંગ્રેજીમાં કમાન્ડ આપે છે. જેનો ડોગ સુપેરે અમલ કરતા જોવા મળે છે. અત્યારે ગુજરાતમાં કુલ 176 ડોગ હેન્ડલર ડોગ્સને ટ્રેનિંગ પૂરી પાડી રહ્યા છે. આ ટ્રેનિંગને પરિણામે સ્નિફર ડોગ ગુનેગાર સુધી પહોંચવામાં, સંદિગ્ધ પદાર્થો સુંઘવામાં એકદમ એક્સપર્ટ બની જાય છે. ડોગ 6 મહિનાનું થઈ ગયા બાદ તેને કુલ 9 મહિના સુધી તૈયાર કરવામાં આવે છે. SRP કેમ્પમાં સઘન ટ્રેનિંગ અપાયા બાદ જુદા જુડા ડોગ્સને વિવિધ જિલ્લા પોલીસને પૂરા પાડવામાં આવે છે. અત્યારે ટ્રેનિંગ કેમ્પમાં ઓરિયો, ઈન્વેટર, ઈલેક્ટ્રીક, યાનકી, સાગર, વેલ્ટર અને હેરી નામક ડોગ ટ્રેનિંગ લઈ રહ્યા છે.
ડોગ્સનું ડેઈલી રૂટિન, ડાયટ અને હેલ્થ ચેકઅપઃ ટ્રેનિંગ સેન્ટરમાં સ્નિફર ડોગને બે વખત પરેડ તેમજ એક્સરસાઈઝ કરાવવામાં આવે છે. સવારે 7:30 વાગેથી 10:30 કલાક સુધી અને સાંજે 3થી 6 કલાક સુધી ડોગ પરેડ તેમજ એક્સરસાઈઝ કરે છે. પરેડ બાદ દરેક ડોગની સાફ સફાઈ કરવામાં આવે છે. આ ડોગને દિવસમાં બે વાર જમવાનું અપાય છે. જેમાં સવારે સવારે એક લીટર દૂધ, 2 ઈંડા અને 250 ગ્રામ લોટની રોટલી દૂધમાં મિક્ષ કરીને અપાય છે. જ્યારે રાત્રે 400 ગ્રામ મટન, 200 ગ્રામ લીલા શાકભાજી અને 250 ગ્રામ ભાતનો ડોગના ડાયટમાં સમાવેશ થાય છે. પોલીસ ડોગ સ્ક્વોડના તમામ ડોગનું સતત હેલ્થ મોનિટરિંગ કરવામાં આવે છે. જેના માટે સૈજપુરમાં એક વેટરનરી ડોક્ટરની કરાર આધારિત નિમણુક કરાઈ છે.
વિવિધ પ્રકારની ટ્રેનિંગઃ આ ડોગ ટ્રેનિંગ સેન્ટરમાં વિવિધ ગુનાને ઉકેલવા માટે વિવિધ પ્રકારની ટ્રેનિંગ અપાય છે. જેમાં ટ્રેકિંગ ટ્રેનિંગ, સ્નિફિંગ ટ્રેનિંગ, એક્સપ્લોઝિવ સ્નાઈપિંગ ટ્રેનિંગનો સમાવેશ થાય છે. વર્તમાનમાં આ ડોગ્સને એક ખાસ પ્રકારની ટ્રેનિંગથી સજ્જ કરવામાં આવી રહ્યા છે, આ ટ્રેનિંગ એટલે એસોલ્ટ ટ્રેનિંગ. એસોલ્ટ ટ્રેનિંગમાં ડોગ્સ ગુનેગારો ખાસ કરીને આતંકવાદી સાથે રીતસરની લડાઈ કરે છે અને આતંકવાદીને ભોંયભેગો કરી દે છે. આ ટ્રેનિંગને પરિણામે ભાગી છુટેલા આરોપીનું ડોગ્સ ટ્રેકિંગ કરી, કોર્ડન કરી તેને ઝડપી પાડવામાં પોલીસને મદદરૂપ બને છે.
બ્રીડિંગ સેન્ટરની કામગીરીઃ છેલ્લાં 2 વર્ષથી સ્નિફર ડોગ માટે બ્રીડિંગ સેન્ટર પણ ચલાવવામાં આવે છે. જેમાં બેલ્જિયમ શેફર્ડ, જર્મન શેફર્ડ અને ડોબરમેન બ્રીડના ડોગની સંખ્યા વધારવામાં આવી રહી છે. છેલ્લાં 2 વર્ષમાં પોલીસ દ્વારા ડોગ બ્રીડિંગને પરિણામે ડોગની સંખ્યા 26 સુધી પહોંચી ગઈ છે.
9વર્ષની ડ્યૂટી બાદ રીટાર્યડઃ 9 મહિનાની સઘન ટ્રેનિંગ બાદ ડોગ્સને જે તે જિલ્લાના પોલીસ ડિપાર્ટમેન્ટમાં ડયૂટી માટે મોકલાય છે. સામાન્ય રીતે ડોગ્સ 8થી 9 વર્ષ સુધી ડ્યૂટી નિભાવતા હોય છે. દર 2 વર્ષે આ ડોગ્સને 45 દિવસની એક ખાસ રિફ્રેશર ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. અંદાજિત 9 વર્ષની ફરજપરસ્તી બાદ ડોગ્સને પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી રીટાયર્ડ કરવામાં આવે છે.
ગુજરાત પોલીસ ડોગ સ્ક્વોડને અત્યારે અપાઈ રહી છે એસોલ્ટ ટ્રેનિંગ. આ ટ્રેનિંગ ડોગ્સને ક્યારેય અગાઉ અપાઈ નથી. આ ટ્રેનિંગ બાદ તૈયાર થતા ડોગ્સને એસોલ્ટ ડોગ્સ કહેવામાં આવે છે. જે આતંકવાદી સુધીના ગુનેગારને ભોંયભેગા કરવામાં એક્સપર્ટ હોય છે. આ ઉપરાંત વીઆઈપી અને વીવીઆઈપીઓની સુરક્ષા માટે પણ એસોલ્ટ ડોગ્સની મદદ લેવામાં આવે છે. અમારી પાસે બેલ્જિયમ શેફર્ડ, લેબ્રાડોર તેમજ ડોબરમેન બ્રીડ છે. બીગલ બ્રિડના ડોગ્સને ટ્રેઈન કરીને નાર્કોટિક્સ વિભાગને આપવામાં આવ્યા છે...સી. એ. રાઠોડ (રીટાયર્ડ કર્નલ)
સમગ્ર ગુજરાતમાં જે પણ જગ્યાએ ડોગ્સ ફાળવવામાં આવે છે તેમને સૈજપુરમાં ટ્રેઈન કરવામાં આવે છે. તાજેતરમાં જ 38 ડોગ્સ પોપ્સ અલગ જિલ્લાને ફાળવવામાં આવ્યા છે. અલગ અલગ બ્રીડના ડોગ્સને અલગ અલગ ખાસિયતો મુજબ ટ્રેન કરી તેમને ફરજ પર મુકવામાં આવે છે...એલ. ડી. રાઠોડ(DySP, SRP-2)
ડોગ્સની રીટાયર્ડ લાઈફઃ પોલીસ વિભાગમાં 8-9 વર્ષ ફરજ બજાવ્યા બાદ તેમનું મેડિકલ ચેકઅપ હાથ ધરવામાં આવે છે. તેની કાર્યક્ષમતાના રિપોર્ટ બાદ જો જરૂર જણાય તો તેને ફરજમાંથી નિવૃત કરવામાં આવે છે. નિવૃતિ બાદ તમામ ડોગ્સને આણંદ સ્થિત રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરાયેલા 'ડોગ ઓલ્ડ એજ હોમ' ખાતે રાખવામાં આવે છે. જ્યાં તેઓ નિવૃત જીવન ખૂબ જ સારી રીતે વિતાવે છે. હાલ આણંદના ડૉગ ઓલ્ડ એજ હોમમાં 15 ડોગ્સ રીટાયર્ડ લાઈફ એન્જોય કરી રહ્યા છે.