અમદાવાદ : પૂર્વ ભારતમાંથી ગુજરાત તરફ આગળ વધતા લો પ્રેશર સિસ્ટમની અસરથી ગુજરાતમાં ચોમાસાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. રાજ્યના તમામ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો અને વરસાદના કારણે રોડ પર પાણી ભરાયા હતા. ત્યારે હવે ગુજરાતમાં ચોમાસાની આગેકૂચ શરુ થતાં હજુ પણ ધમાકેદાર બેટિંગ જોવા મળી શકે છે. તાજેતરમાં સમગ્ર ગુજરાતમાં મેઘમહેર ચાલુ છે ત્યારે હવે ફરીથી આગામી 4 દિવસ વરસાદનું જોર વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
ભારે વરસાદની ચેતવણી : હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર આગામી તારીખ 29 જૂન સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. ત્યારે આજે અમદાવાદમાં સવારે ભારે વરસાદ બાદ બપોરે 2 વાગ્યાથી ફરી વરસાદ શરૂ થયો હતો. શહેરના પશ્ચિમ વિસ્તારના સરખેજ, મકરબા, વેજલપુર, મકતમપુરા પાલડી, જોધપુર, ટાગોર હોલ, વાસણા, જમાલપુર, માધુપુરા વિસ્તારમાં બપોરે દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. સાથે જ ગુજરાતના તમામ વિસ્તારો વરસાદી પાણીથી જળબંબાકાર બની ગયા છે.
ચોમાસાએ જોર પકડ્યું : હવામાન વિભાગની આગાહીને પગલે સમગ્ર ગુજરાતમાં ધમાકેદાર વરસાદ શરૂ થઈ ગયો છે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે અમદાવાદમાં પણ વહેલી સવારથી જ ધોધમાર વરસાદે રસ્તાઓ પર પાણી જ પાણી કરી દેતા લોકો અટવાયા હતા. આજે વહેલી સવારથી જ ગુજરાતમાં વરસાદ જામ્યો છે અને ગુજરાતના તમામ વિસ્તારોમાં મેઘમહેર થઈ છે. ગુજરાતમાં ચોમાસાએ જોર પકડતાની સાથે જ કહેર વર્તાવાનું શરુ કર્યું છે.
રાજ્યમાં ભારે વરસાદને લઈને હાઈ એલર્ટ જાહેર કરાયું છે. ગુજરાતમાં આગામી 4 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. ગઈકાલે સવારે 6 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધી એટલે કે 24 કલાકમાં હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના 126 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે...વિજિનલાલ(હવામાન વિભાગ અધિકારી)
ગુજરાત ચોમાસામાં તરબોળ : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ બઘડાટી બોલાવી છે. જેમાં બારડોલીમાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતના 24 તાલુકાઓમાં 2 ઈંચથી લઈને 6 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.આ સાથે ગુજરાતના અન્ય વિસ્તારો પણ વરસાદી પાણીથી જળબંબાકાર બની ગયા છે. હજુ પણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો હોવાથી હાલમાં તો ગુજરાત ચોમાસામાં તરબોળ બની ગયું છે.