અમદાવાદ : ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી ચૂક્યા બાદ હવે ચોમાસું વિદાય લેશે. ચોમાસાના છેલ્લા રાઉન્ડમાં ધમાકેદાર બેટિંગ બાદ હવે ચોમાસુ પૂર્ણ થયું અને તાપમાન પણ ઊંચકાયું છે. ત્યારે વરસાદને લઈને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, હાલ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા નહિવત જોવા મળી રહી છે. અત્યારે કોઈ વરસાદી સિસ્ટમ એક્ટિવ ન હોવાથી ગુજરાતમાં ક્યાંય ભારે વરસાદની શક્યતા નથી.
હવામાન વિભાગની આગાહી : હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગુજરાતમાં ભેજવાળું વાતાવરણ રહેશે અને ગરમીનો અહેસાસ થશે. રાજ્યમાં વીજળીના કડાકા અને છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. જેમાં દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતાઓ છે. જ્યારે કચ્છમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે સૂકું વાતાવરણ રહેશે. સાથે જ આવનારા 5 દિવસ બાદ ગુજરાત રાજ્યમાં વરસાદ સંપૂર્ણ બંધ થઈ જતાં વાતાવરણ સૂકું રહેશે.
ચોમાસાની વિદાય ? હવામાન વિભાગે આ સાથે ચોમાસાની વિદાય સંદર્ભે આગાહી કરતા જણાવ્યું હતું કે, હવે ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ, જેથી તાપમાન પણ વધશે. જેમાં રાજ્યના મુખ્ય શહેર એવા અમદાવાદમાં સામાન્ય 34 થી 36 તાપમાન રહેવાની સંભાવના છે. જોકે અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. પરંતુ ક્યાંક છૂટોછવાયો વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે આ સાથે સ્પષ્ટતા કરી છે કે હાલ ગુજરાતમાં કોઈ વરસાદની સિસ્ટમ સક્રિય નથી. આગામી સમયમાં પણ કોઈ સિસ્ટમ સર્જાય તેવી સંભાવના ન હોવાને લીધે ચોમાસાની વિદાય થઈ રહી હોવાનું માની શકાય.
ચાલુ સીઝનનો વરસાદ : જોકે વાત કરવામાં આવે વરસાદના છેલ્લા રાઉન્ડની તો દક્ષિણ ગુજરાતમાં મેહુલિયો મહેરબાન થયો હતો. રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં પણ છેલ્લી ઘડીએ વરસાદે ધડબડાટી બોલાવી હતી. સમગ્ર રાજ્યમાં મેઘમહેર બાદ હવે મેઘરાજા વિદાય લઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી પ્રમાણે આગામી 5 દિવસ બાદ મેઘરાજાની વિદાય થતા વાતાવરણ સૂકું જોવા મળશે અને તાપમાનનો પારો પણ ધીરે ધીરે ઊંચકાઈ જશે. જોકે, આ વર્ષે વરસાદે ગુજરાત પર મહેર કરતા કુલ વરસાદનો આંકડો 100% પાર થયો છે. ભારે વરસાદે નદીઓ અને ડેમોમાં નવા પ્રાણ ફૂંક્યા અને જળસપાટી ઊંચી આવી છે.