અમદાવાદ : રાજ્યમાં ભારે વરસાદને લીધે નદીઓ ગાંડીતૂર બનતા પુર જેવી સ્થિતિ સર્જાઈ છે. વિવિધ ડેમ પણ વરસાદી પાણીના ભરાવાના કારણે ભયજનક સ્થિતિમાં પહોંચી ગયા છે. ત્યારે ગુજરાતને જળબંબાકાર કરનાર મેઘો હવે આવનારા દિવસોમાં વિરામ લઈ શકે છે. જે બાબતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સ્થાનિક હવામાન વિભાગે આવનારા દિવસોમાં વરસાદની શક્યતાને લઈને મોટી આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી : હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગુજરાત પર કોઈ વરસાદી સિસ્ટમ એક્ટિવ ન હોવાથી ગુજરાતમાં હવે ભારે વરસાદની શક્યતા નહીંવત છે. જોકે, હજુ પણ કેટલાક છૂટા છવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાં સિઝન કરતા 20% વધુ વરસાદ પડી ચૂક્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હવે ગુજરાતમાં વરસાદનું જોર ઘટવાની શક્યતા જોવા મળી રહી છે. પરંતુ હજુ પણ દરિયામાં ભારે પવન ફૂંકાવાની સંભાવનાઓ છે જેને લઇને ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
આગામી પાંચ દિવસ ભારે વરસાદની શક્યતા નહિવત જોવા મળી રહી છે. ગુજરાતના દક્ષિણ ભાગમાં એકાદ જગ્યાએ ભારે વરસાદ રહેવાની સંભાવના છે. તો સૌરાષ્ટ્રના એકાદ સ્થળે પણ વરસાદ રહી શકે છે. અને હાલ અમદાવાદમાં એકાદ જગ્યાએ વરસાદ થવાની સંભાવના જોવા મળી રહી છે. ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 37 ટકાથી પણ વધુ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી 605.7 mm વરસાદ રહ્યો છે. આગામી 6 દિવસ હળવો વરસાદ રહી શકે છે. રાજ્યમાં ચોમાસાની શરૂઆતથી લઈને હાલ સુધી 85 % વરસાદ નોંધાયો છે.-- ડો. મનોરમા મોહંતી (ડાયરેક્ટર, હવામાન વિભાગ)
49 ડેમ ઓવરફ્લો : ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના કારણે રાજ્યની નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. જ્યારે રાજ્યના મુખ્ય 207 ડેમમાં 53.83 ટકા જળસંગ્રહ થઈ ચૂક્યો છે. જ્યારે 49 ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. તેમજ 77 ડેમ હાઈએલર્ટ મોડ પર છે. વધુ પડતા વરસાદને પગલે હાલ ગુજરાતમાંથી પીવાના પાણીનું સંકટ દૂર થયું છે. પરંતુ ચોમાસુ હજુ બાકી છે ત્યારે આવનારા દિવસોમાં વરસાદની શું સ્થિતિ હશે તે વરસાદી સિસ્ટમ જ નક્કી કરશે.