અમદાવાદ : ગુજરાતમાં ચોમાસુ હવે પૂરું થવાની તૈયારી છે. ત્યારે હજુ પણ ભાદરવો ભરપૂર કહેવતને સાર્થક કરતા રાજ્યભરમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. ચોમાસાના છેલ્લા રાઉન્ડમાં ધમાકેદાર બેટિંગ બાદ હવે ચોમાસુ વિદાય લઈ રહ્યું છે. ત્યારે રાજસ્થાન તરફથી ચોમાસુ વિદાય થવાની શરૂઆત થઈ ચૂકી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી થોડા દિવસોમાં ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લેશે. પરંતુ વિદાય પહેલા હવામાન વિભાગની વરસાદને લઈને વધુ એક આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી : હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ રાજ્યમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. તો આવનારા 24 કલાકમાં ક્યાંક ભારે વરસાદ રહી શકે છે. જેમાં દક્ષિણ ગુજરાતના સુરત અને ભરૂચમાં છુટોછવાયો અથવા ભારે વરસાદ વરસી શકે છે. ઉપરાંત સૌરાષ્ટ્રમાં કચ્છ, અમરેલી અને ગીર સોમનાથમાં છુટોછવાયો અને ભારે વરસાદ રહી શકે છે. તો બીજી તરફ બનાસકાંઠા અને સાબરકાંઠામાં હળવો વરસાદ રહેવાની સંભાવના છે. હાલ ગુજરાતમાં કોઈ વરસાદની સિસ્ટમ સક્રિય નથી. પરંતુ ભેજના કારણે હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેના કારણે આગામી 5 દિવસ સુધી રાજ્યમાં છૂટોછવાયો વરસાદ થવાની સંભાવના છે.
ભાદરવો ભરપૂર : જોકે વરસાદના છેલ્લા રાઉન્ડ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં મેહુલિયો મહેરબાન થયો હતો. ધોધમાર વરસાદના પગલે રોડ પર પાણી ભરાયા હતા. જેમાં સુરતના ઉધના-નવસારી રોડ પર પાણી ફરી વળતાં વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. જોકે, હાલ વરસાદે વિરામ લેતા પાણી ઓસરવાનું શરૂ થયું છે. વરસાદી પાણી ભરાતા નીચાણવાળા વિસ્તારોમાં ભારે મુશ્કેલી સર્જાઈ હતી. સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં સુરતના ચોર્યાસીમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબકતાં નદી-નાળા છલકાઈ ઉઠ્યા હતા.
ચાલુ વર્ષે 100 ટકા વરસાદ : ભારે વરસાદને કારણે શહેરની સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા. વહેલી સવારે સ્કૂલ અને કોલેજ જતા તેમજ કામકાજ માટે જતા લોકો માટે વરસાદને કારણે ભારે મુશ્કેલી સર્જાઈ હતી. જેના કારણે વહેલી સવારે જ લોકો ટ્રાફિક જામમાં ફસાઈ ગયા હતા. પરંતુ હવે મેઘરાજા વિદાય લઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી પ્રમાણે હજુ પણ 5 દિવસ સુધી વરસાદ જોવા મળી શકે છે. જોકે આ વર્ષે મેઘરાજાએ ગુજરાત પર મહેર કરતા સિઝનમાં કુલ 100 ટકા વરસાદ વરસ્યો છે.