હાઈકોર્ટે કહ્યું કે અહેમદ પટેલને પ્રવાસ ન કરવો એવો કોઈ અભિપ્રાય કે સલાહ ડોક્ટર દ્વારા આપવામાં આવી છે કે કેમ એવો કોઈ ઉલ્લેખ સોંગદનામામાં કરવામાં આવ્યો નથી. બળવંતસિંહ રાજપૂતના વકીલ નિરુપમ નાણાવટીએ બોમ્બે હાઈકોર્ટના ચૂકાદાને ટાંકીને દલીલ કરી હતી કે નિયમ પ્રમાણે અહેમદ પટેલને હાજર થવાનું હોય છે અને જો અન્ય કોઈ વ્યકિત હાજર રહે તો ઉલટ-તપાસ યોગ્ય રીતે થઈ શકે નહિ.
હાઈકોર્ટમાં અહેમદ પટેલના હાજર ન રહેવા મુદ્દે તેમના વકીલ પંકજ ચાંપાનેરીએ દલીલ કરી કે, તબિયત સારી ન હોવાની વાતનો ઉલ્લેખ સોંગદનામાં કરવામાં આવ્યો છે. ગત 8મી મેના રોજ અહેમદ પટેલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાની રજૂઆત કરવામાં આવી હતી, જેની સામે અરજીમાં મેડિકલ ચેક-અપ માટે ગયા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. કોર્ટે બળવત સિંહ રાજપૂતના વકીલની દલીલને માન્ય રાખી અહેમદ પટેલને 20મી જૂનના રોજ હાજર થવાનું ફરમાન કર્યું છે.