અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટે સરકારની નવી શિક્ષણ નીતિ સામે એક મહત્વનો ચtકાદો આપ્યો છે. અરજદાર વાલીના બાળકને શાળામાં પહેલા ધોરણના પ્રવેશ મેળવવા માટે છ વર્ષ પૂર્ણ થવામાં એક દિવસ બાકી હતો તેથી પ્રવેશ મળતો ન હતો. જેને લઇને વાલીએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. તે કેસમાં બાળકને એડમિશન આપવા ગુજરાત હાઈકોર્ટે નિર્દેશ આપ્યા છે.
નવી શિક્ષણનીતિનો નિયમ : શાળામાં પ્રવેશ મેળવવા માટે રાજ્ય સરકાર દ્વારા અત્યારે નવી શિક્ષણનીતિ લાગુ કરવામાં આવી છે. જેમાં ધોરણ પહેલામાં પ્રવેશ મેળવવા માટે બાળકે છ વર્ષ પૂર્ણ કરેલા હોવા ફરજિયાત છે. નવી શૈક્ષણિક વર્ષથી સમગ્ર ગુજરાતમાં આ જ શિક્ષણનીતિ પ્રમાણે બાળકોને પહેલા ધોરણમાં પ્રવેશ આપવામાં આવશે. જોકે આ નવી શિક્ષણ નીતિ સામે ગુજરાત હાઇકોર્ટમાં એક વાલી દ્વારા અરજી કરવામાં આવી હતી.
સિનિયર કેજીમાં ફરી મૂકવા જણાવાયું : બાળકના વાલી હરિ ઓમ ભટ્ટ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે તેમના બાળકને પહેલી જૂનના રોજ છ વર્ષ પૂરા થવામાં માત્ર એક દિવસ ખૂટે છે. તેમ છતાં પણ શાળા તેમને નવી શિક્ષણનીતિના કારણે પ્રવેશ આપતી નથી. જો માત્ર એક દિવસ ધ્યાનમાં લેવામાં આવે તો બાળકનું આખું વર્ષ બગડશે. એવી વાત પિતા દ્વારા હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. તેમણે એ પણ જણાવ્યું હતું કે તેમના બાળકનો જન્મ 1- 6- 2017ના રોજ થયો હતો અને 1- 6- 2023 ના રોજ તેના છ વર્ષ પૂર્ણ કર્યા હતાં. માત્ર એક દિવસના કારણે તેને ફરીથી સિનિયર કેજીમાં પુનરાવર્તન કરવાનું કહેવામાં આવ્યું હતું.
માત્ર એક દિવસનો તફાવત ધ્યાને લીધો : આ સમગ્ર મામલે સુનાવણી બાદ જસ્ટિસ સંગીતા વિશેને જણાવ્યું હતું કે કોઈપણ બાળકોના ભવિષ્ય સાથે નિયમો પ્રમાણે વર્ષ શબ્દ સાથે જોડીને તેનું વર્ષ બગાડી શકાય નહીં. આ સાથે જ જ્યારે બાળકના વર્ષ પૂર્ણ થવામાં માત્ર એક દિવસનો તફાવત હોય ત્યારે બાળકના પ્રવેશ મેળવવાની ગાણિતિક રીતે નિયમો ધ્યાનમાં લેવા જોઈએ. આ સાથે જ જસ્ટીસે આ ચૂકાદામાં સૈદ્ધાંતિક સિદ્ધાંત ઉમેર્યો હતો.
પિતાની તરફેણમાં ચૂકાદો : હાઇકોર્ટે આ ચૂકાદો આપતા સુપ્રીમ કોર્ટનો 2016નો યુસુફભાઈ મામદભાઈ ડબ્બાવાલાનો ચૂકાદાનો ઉદાહરણ તરીકે ઉલ્લેખ કર્યો હતો. જેમાં સૈદ્ધાંતિક નિયમો વાપરીને ચૂકાદો આપવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રાથમિક અવલોકનને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે પિતાની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો અને બાળકને શાળામાં પ્રવેશ મેળવવા માટેની કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા હતાં.
વાલીઓને રાહત : અત્રે એ નોંધનીય છે કે ગુજરાત હાઇકોર્ટે આ ચૂકાદાની સાથે બીજા અન્ય વાલીઓના આ પ્રકારના પ્રશ્નને પણ હલ કર્યો છે. આ સાથે જ જે પણ વાલીઓ પોતાના બાળકના પહેલા ધોરણમાં પ્રવેશ મેળવવા માટે જો ઉંમર બાધ હશે તો ગુજરાત હાઇકોર્ટે આપેલા આ ચૂકાદાને લક્ષમાં લઇને તેમના બાળકને શાળામાં પ્રવેશ અપવવા માટે આગળ વધી શકેે છે.