અમદાવાદ : ભારતીય વાયુ સેનાના ત્રણ નિવૃત્ત અધિકારીઓને આજીવન સજામાંથી હાઇકોર્ટ તરફથી રાહત મળી છે. જામનગર એરફોર્સના સિવિલિયન કૂકની હત્યાના મામલે સીબીઆઇ કોર્ટે ત્રણેય અધિકારીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. ગુજરાત હાઇકોર્ટે ત્રણ અધિકારીઓની સજા મોકૂફ રાખી છે.
હાઇકોર્ટમાં સજાની સામે અપીલ : જામનગરના રસોઈયાના કસ્ટોડિયલ ડેથ મામલામાં ભારતીય વાયુ સેનાના ત્રણ અધિકારીઓને સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. નિવૃત્ત ગ્રુપ કેપ્ટન અનુપ સૂદ, નિવૃત્ત સાર્જન્ટ અનિલ કે.એન અને સાર્જન્ટ મહેન્દ્રસિંહ શેરાવતને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જેમાં ગુજરાત હાઇકોર્ટમાં સજાની સામે અપીલ કરવામાં આવી હતી.
આ પણ વાંચો વેક્સિન માટે ના પાડતા એરફોર્સ જવાનને ટર્મિનેટ કર્યો, મામલો હાઈકોર્ટ પહોંચ્યો કસ્ટોડિયલ ડેથ કેસમાં મૃતકની પત્નીને 27 વર્ષે મળ્યો ન્યાય, 3 IAF અધિકારીઓને આજીવન કેદ |
દારુ બોટલ ચોરીની તપાસ : IAF અધિકારીઓએ જાતે રસોઈયાના ઘરની તપાસ કરી હતી. આ સમગ્ર મામલે ભારતીય વાયુસેનાના 12 અધિકારીઓએ જામનગરમાં આવેલા એરફોર્સ-1ના સિવિલિયન ક્વાર્ટરમાં રસોઈયા ગિરજા રાવતના ઘરની તપાસ કરી હતી અને સાથે જ તેની અટકાયત પણ કરી હતી. આ બાબતે પૂછપરછ કરવા માટે રસોઈયા ગિરજા રાવતને મુખ્ય ગાર્ડ રૂમમાં લઈ જવાયા હતાં. પરંતુ બીજા દિવસે સવારે તે ગંભીર હાલતમાં મળી આવતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ પોસ્ટમોર્ટમ કરતા રિપોર્ટમાં તેમને આંતરિક અને બાહ્ય ઈજા થઈ હોવાનું સામે આવ્યું હતું.
સીબીઆઈ કોર્ટની સજા સામે અપીલ : અરજદારના વકીલ નંદીશ ઠક્કરે જણાવ્યું હતું કે, આરોપી અધિકારીઓ સામે કોઈ એવિડન્સ હતાં નહીં તેમ છતાં પણ સીબીઆઇ કોર્ટે તેમને આજીવન કેદની સજા ફટકારી હતી. જેની સામે અમે અપીલ એડમિટ કરી હતી. સસ્પેન્શનના હીયરિંગ વખતે કોર્ટે ધ્યાનમાં લીધું કે તેમની સામે કોઈ પણ પુરાવાઓ નથી. અગાઉ જે પોલીસ તપાસ થઈ હતી તેમાં પણ તેઓ ડિસ્ચાર્જ થયા હતાં. જેનો ઓર્ડર પણ સુપ્રીમ કોર્ટ સુધી કન્ફર્મ રહ્યો છે. આ બધી વસ્તુ કન્સિડર કરીને એમની સજા મોકૂફ રાખી છે.
શું હતો સમગ્ર કેસ : આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો વર્ષ 1995માં રસોઈયા ગિરજા રાવત ઉપર ભારતીય વાયુસેનાએ (IAF) CDS મેસમાંથી દારૂની 94 બોટલ ચોરી કરવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ આ અંગે વાયુસેનાએ જામનગર શહેર પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી. એટલું જ નહીં જામનગર એરફોર્સ સ્ટેશનના એર કોમોડોરે આ મામલે આંતરિક તપાસનો આદેશ પણ આપ્યો હતો.
હત્યાનો આરોપ લગાવાયો હતો : આ અંગે રસોઈયા ગિરજા રાવતના પત્ની શકુંતલા દેવીએ IAF અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. શકુંતલા દેવીએ વાયુ સેના અધિકારીઓ ઉપર તેમના પતિ ગિરજા રાવતની હત્યાનો આરોપ લગાવ્યો હતો. ગિરજા રાવતના મોત મામલે તપાસ કરતા સાત અધિકારીઓ વિરુદ્ધ હત્યા અને ગુનાહિત ષડયંત્ર ઘડવા સહિતના આરોપ સાથે ચાર્જ શીટ દાખલ કરાઇ હતી. ત્યારબાદ તપાસ આગળ વધતા સીબીઆઈ કોર્ટે ત્રણ અધિકારીઓને આજીવન સજા ફટકારી હતી.