અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટમાં ભાવનગર ઘોઘા રોડ પર આવેલા 14 નાળા વિસ્તારના કાચા મકાનોને તોડી પાડવાના વિવાદમાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા બાંહેધરી આપવામાં આવી છે. હાઇકોર્ટમાં ભાવનગર મનપાએ બાંહેધરી આપી છે કે અરજદારોને 15 દિવસના નોટિસ આપ્યાના સમય બાદ જ ગેરકાયદે બાંધકામના દૂર કરવામાં આવશે. ત્યાં સુધી કોઈ પણ પ્રકારની ડિમોલેશન કાર્યવાહી હાથ ધરાશે નહીં.
કાચા મકાન તોડવાનો વિવાદ : ભાવનગરના ઘોઘા રોડ ઉપર આવેલા 14 નાળા વિસ્તાર સ્થિત કાચા મકાનોને તોડી પાડવાની કામગીરી ભાવનગર મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી. તેની સામે ત્યાં રહેતા વિસ્તારના રહીશો દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. ભાવનગર મહાનગરપાલિકાએ કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વિના આ કામગીરી હાથ ધરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે નગરપાલિકાને નોટિસ ઇશ્યુ કરીને જવાબ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું હતું.
ગુજરાત હાઇકોર્ટમાં આજની સુનાવણી : દરમિયાન ભાવનગર મહાનગરપાલિકાએ જવાબ રજૂ કરતા હાઇકોર્ટે બાંહેધરી આપી હતી કે, જેટલા પણ અરજદારો છે તેમને રજૂઆત કરવા માટે પૂરતો સમય આપવામાં આવશે. અરજદારોને સાંભળવાની પૂરતી તક આપ્યા બાદ 15 દિવસ બાદ ગેરકાયદે બાંધકામને તોડી પાડવાનો હુકમ કરવામાં આવશે. આ સાથે જ એક મહિના સુધી કોઈ પણ પ્રકારની ડિમોલિશનની કામગીરી નહીં થાય એવી પણ બાંહેધરી આપવામાં આવી હતી.
શું છે સમગ્ર કેસ : આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ઘોઘા રોડ ઉપર આવેલા 14 નાણા વિસ્તારમાં સ્થિત જે પણ કાચા મકાનો કે છાપરાઓ છે તેને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જોકે તે વિસ્તારના અસરગ્રસ્ત લોકોએ મનપાની આ કામગીરી સામે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી.આ સાથે હાઇકોર્ટ સમક્ષ ભાવનગર મનપા દ્વારા જે બાંહેધરી આપવામાં આવી હતી તે વાતને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે આ અરજીનો નિકાલ કર્યો છે.
શું કરી અરજી : આ અરજીમાં અરજદાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે છેલ્લા 40 વર્ષથી અમે આ વિસ્તારમાં રહેણાંક ધરાવીએ છીએ. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારની જાણ કે નોટિસ આપ્યા વગર અરજદારોના ઘરને તોડી પાડવામાં આવેલા છે. મહાનગરપાલિકાએ કોઈ પણ પ્રકારની વૈકલ્પિક સુવિધા કે રજૂઆતની તક આપ્યા વગર આ કાર્યવાહી હાથ ધરી છે. ડિમોલેશનની આ કામગીરીના કારણે અનેક પરિવારો બે ઘર બન્યા છે અને ભાવનગર મનપાની આ કામગીરીના સમયે એક વ્યક્તિનું મોત પણ થયેલું છે. જ્યારે કેટલાક લોકો ઘાયલ પણ થયા છે અને તેમની સારવાર પણ ચાલી રહી છે. આ સમગ્ર બાબતને ધ્યાનમાં રાખીને કોર્ટે યોગ્ય નિર્ણય આપવો જોઈએ.