અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટમાં પોલીસ દ્વારા પાસા એક્ટ હેઠળ જે ફરિયાદ નોંધવામાં આવી હતી. તે રદ કરવા માટે અરજી કરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટે સુનાવણી દરમિયાન પોલીસે ધ્યાનમાં રાખીને કામગીરી કરવાની જરૂર છે એવી ટકોર કરી હતી. આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો, સુરતના એક વ્યક્તિ પાસેથી પોલીસને દેશી બનાવટની ખાલી બંદૂક મળી આવી હતી. જેથી પોલીસે તે વ્યક્તિની અટકાયત કરી હતી. જોકે આ પિસ્તોલમાં કોઈપણ પ્રકારની બુલેટ હતી નહીં. દેશી બનાવટની આખી પિસ્તોલ ખાલી હતી. તેમ છતાં પણ તેમની અટકાયત કરી હતી, જોકે ત્યારબાદ સંલગ્ન ગુના હેઠળ મેજિસ્ટ્રેટ દ્વારા તે વ્યક્તિને છોડી મૂકવામાં આવ્યા હતા.
વગર વાંક હેરાન ગતિ : વ્યક્તિને મેજિસ્ટ્રેટ દ્વારા છોડી મૂક્યા બાદ પણ પોલીસ દ્વારા અરજદારને સામે પાસા એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેને કારણે વગર વાંક ગુને વ્યક્તિને હેરાન કરવામાં આવી રહ્યા હતા. આ ફરિયાદને રદ કરવા માટે થઈને અરજદારે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. આ અરજીની સુનાવણી પર હાઈકોર્ટે મહત્વના અવલોકન કર્યા હતા. જેમાં ગુજરાત હાઇકોર્ટે પોલીસની કામગીરી પર સવાલો ઉભા કર્યા હતા. હાઇકોર્ટે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર તેમજ પોલીસ અધિકારીઓ જે સમગ્ર રીતે કામગીરી થતી હોય છે તેમાં અવલોકન કરવાની જરૂર છે.
હાઈકોર્ટની પોલીસને ટકોર : આ સાથે જ હાઇકોર્ટે જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા કોઈપણ કેસ કરવામાં આવી રહ્યો છે તો તેમા પણ વ્યક્તિને તમે પ્રતિબંધિત કરી શકો નહીં. અર્થાત કોઈપણ કેસમાં ચોક્કસ પુરાવા વગર કોઈપણ વ્યક્તિ સામે ગુનો દાખલ કરી શકાય નહીં. પોલીસે પાસા એક્ટ હેઠળ થતી કાર્યવાહીમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. માનવીની સ્વતંત્રતા સર્વોચ્ચ છે. તેને ઓછી આપી શકાય નહીં કે તેને પ્રતિબંધિત કરી શકાય નહીં. આ કેસને જોતા અધિકારીઓ કાનૂન વ્યવસ્થા અને સાર્વજનિક વ્યવસ્થાથી અજાણ હોય તેવું લાગી રહ્યું છે. તેવી પણ કોર્ટે ટકોર કરી હતી.
અરજદારને રાહત : જોકે આ સમગ્ર મામલે સુનાવણી સાંભળ્યા બાદ હાઇકોર્ટે જે અરજદાર સામે ફરિયાદ નોંધવામાં આવી હતી તેને રદ કરી છે. આ સાથે જ અરજદારને રાહત મળી છે. આ ફરિયાદ રદ કરતા હાઇકોર્ટે સુપ્રીમ કોર્ટના મહત્વના છ ચુકાદાઓ પણ ઉદાહરણ તરીકે આપ્યા હતા. અરજદારને હાઈકોર્ટ તરફથી રાહત આપવામાં આવી છે.
PASA Act શું છે? : PASA Actનું Full Form “Prevention of Anti-Social Activities Act” છે. તેનું ગુજરાતીમાં ફુલ ફોર્મ “અસામાજિક પ્રવૃતિઓ નિવારણ અધિનિયમ” થાય છે. રાજ્ય સરકારે થોડા સમય પેહલા આ કાયદામાં સંશોધન કર્યું છે. વર્ષ 1985માં આ કાયદો લાવવામાં આવ્યો હતો.