અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે દુષ્કર્મ પીડિતાની ગર્ભાવસ્થાને સમાપ્ત કરવાની મંજૂરી આપી છે. આ અંગે પીડિતાની માતાએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ અરજીમાં માતાએ રજૂઆત કરી હતીક કે, પુત્રી સાથે થયેલા દુષ્કર્મથી તેના માનસિક સ્વાસ્થ્યને ગંભીર ઈજા પહોંચી છે. તે માનસિક અને શારીરિક રીતે એટલે સક્ષમ નથી કે, આ ગર્ભને જન્મ આપી શકે માટે ગર્ભપાતની મંજૂરી માટે માતાએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી.
આ પણ વાંચોઃ Rajkot Crime: એકતરફી પ્રેમમાં સગીરાની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી ફાંસીની સજા, ઐતિહાસિક ચૂકાદો
શું હતો સમગ્ર મામલોઃ આ સમગ્ર કેસની હકીકત જોઈએ તો, આ બનાવ અન્ય શહેરનો છે. થોડા સમય પહેલા પીડિતા ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, જેના પરિણામે તેને ગર્ભ રહી ગયો હતો. આ ગર્ભને સમાપ્ત કરવા તેની માતાએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, પીડિતા સાથે થયેલા બનાવને લઈને તેના ધ્યાનમાં રાખીને માનસિક સ્વાસ્થ્યને ગંભીર ઈજા પહોંચી છે. આ સાથે જ તેમના ગર્ભાવસ્થામાં પણ ઘણા પ્રકારની મુશ્કેલીઓ છે. તેથી જો બાળક જન્મશે તો તેને પણ ગુમાવવાનો વારો આવે એવી શક્યતા છે. ગર્ભપાત માટે જેતે સંબંધિતોને પણ ગર્ભાવસ્થા સમાપ્ત કરવા માટે આદેશ આપવામાં આવે.
ડોક્ટરના અહેવાલને ધ્યાનમાં લેવાયોઃ જસ્ટિસ સમીર દવેની ખંડપીઠે સમગ્ર કેસને ધ્યાનમાં રાખીને ગર્ભપાતની મંજૂરી આપી હતી. આ કેસમાં ગર્ભપાત માટે મંજૂરી આપતા ડૉક્ટરના અહેવાલને પણ ખાસ કોર્ટે રેકોર્ડ પર લીધો હતો. જેમાં પીડિતોના ડોક્ટરે કરેલી તપાસના અહેવાલોને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યા હતા. ડૉક્ટરે પોતાના અહેવાલમાં જણાવ્યું હતું કે, પીડિતાની ગાયનેક ચિકિત્સક, મનોચિકિત્સક તેમ જ તમામ પ્રકારના ઓબ્ઝર્વેશન હેઠળ તપાસ કરવામાં આવી છે. પીડિતાની ગર્ભાવસ્થાને સમાપ્ત કરવા માટે તે માનસિક અને શારીરિક રીતે મજબૂત છે.
વહેલામાં વહેલું ગર્ભપાત કરાવવામાં આવે તો પીડિતા માટે ફાયદાકારકઃ સાથે જ તે ડોક્ટરે એ પણ જણાવ્યું હતું કે, પીડિતાની માનસિક સ્થિતિને ધ્યાનમાં રાખીને જો વહેલામાં વહેલું તો ગર્ભપાત કરાવવામાં આવે તો તેના માટે ફાયદાકારક રહેશે. કારણ કે, અત્યારની પીડિતાની ગર્ભાવસ્થાની પરિસ્થિતિ જોતા જો બાળકને જન્મ આપે છે. તો પણ બાળકને લાંબા સમય સુધી NICUમાં રાખવાની જરૂર પડી શકે તેવી બાળકની સ્થિતિ રહશે. પીડિતાની ગર્ભાવસ્થા 24 અઠવાડિયાથી વધુ થઈ ગયો હોવાથી તેમને તાત્કાલિક ધોરણે ગર્ભપાત માટે મંજૂરી આપવામાં આવે.
જસ્ટિસની ખંડપીઠે આપી મંજૂરીઃ જસ્ટિસ સમીર જે. દવેની ખંડપીઠે આ સમગ્ર મામલે સુનાવણી સાંભળીને અને કેસોનું મહત્વનું અવલોકન કરીને કેસના સંબંધિત અધિનિયમના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને પીડિતાને ગર્ભાવસ્થા સમાપ્ત કરવાની મંજૂરી આપી છે.
HCનું અવલોકનઃ ગુજરાત હાઈકોર્ટે આ સમગ્ર કેસમાં મહત્વનું અવલોકન કરતા સ્પષ્ટ કર્યું હતું કે, ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની માર્ગદર્શિકા અનુસાર, ગર્ભાવસ્થાને ત્યારે જ સ્વસ્થ માનવામાં આવે છે. જ્યારે તે 28 અઠવાડિયાની અંદર 1,000 ગ્રામ હોય છે. જ્યારે આ કેસમાં આ બિલકુલ શક્ય નથી. તેથી ગર્ભના અસ્તિત્વની શક્યતા બિલકુલ નહીંવત્ છે. આ સમગ્ર બાબતોને ધ્યાનમાં રાખીને પીડિતાને ગર્ભપાત કરાવવાની મંજૂરી આપવામાં આવે છે.