અમદાવાદ : છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ફાયર સેફ્ટી એકટના અભાવ મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. ગુજરાત હાઇકોર્ટમાં પ્રાઇવેટ હોસ્પિટલોમાં ફાયર સેફટીના અભાવ મુદ્દે પિટિશન ફાઇલ કરવામાં આવી છે. જેમાં ઘણા લાંબા સમયથી સુનાવણી ચાલી રહી છે. આજે આ સંદર્ભે ગુજરાત હાઇકોર્ટમાં અમદાવાદની મોટી પ્રાઈવેટ હોસ્પિટલ ઝાયડસ અને એપેક્ષ હોસ્પિટલ દ્વારા પિટિશનમાં પક્ષકાર તરીકે જોડાવા માટે રજૂઆત કરવામાં આવી હતી.
હોસ્પિટલોને વિચાર કરવા રજૂઆત : ફાયર સેફટી અમલવારીના અભાવ મુદ્દે હાઈકોર્ટે અગાઉ હોસ્પિટલોને ICU ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવા માટે, કાચના બનેલા આર્કિટેક્ચર દૂર કરવા માટે અને સીડીઓમાં વેન્ટિલેશન રાખવા માટે જણાવ્યું હતું. આજે આ મુદ્દાને ધ્યાનમાં રાખીને બંને હોસ્પિટલોએ હાઇકોર્ટને પુન વિચાર કરવા માટે રજૂઆત કરી હતી.
સુપ્રીમ કોર્ટે નકારી : આ બંને હોસ્પિટલ દ્વારા પક્ષકાર તરીકે જોડાવતા, પિટિશન ફાઇલ કરનાર વકીલ અમિત પંચાલ દ્વારા આ બાબતે વિરોધ કરવામાં આવ્યો હતો. રજૂઆત કરતા જણાવ્યું હતું કે, અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશન દ્વારા સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. જેને સુપ્રીમ કોર્ટે નકારી દીધી હતી. જો સુપ્રીમ કોર્ટ આ બાબતને નકારી દેતી હોય તો હાઈકોર્ટમાં આ બાબતનો પુન વિચાર કઈ રીતે કરી શકાય. તો બીજી તરફ હોસ્પિટલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, હાઇકોર્ટ દ્વારા જે હુકમ આપવામાં આવ્યો છે કે, આગની ઘટનાને ધ્યાનમાં રાખીને હોસ્પિટલના એલીવેશન અને દેખાવમાં ગ્લાસના કરાયેલા ઉપયોગ ન હોવો જોઈએ. આ મુદ્દે હાઇકોર્ટ પુનઃ વિચારણા કરે તે જરૂરી છે.
આ પણ વાંચો : ફાયર સેફટી મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી, કોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી જવાબો રજૂ કરવા કર્યો નિર્દેશ
ખંડપીઠ દ્વારા હુકમ : આ સમગ્ર મામલે સુનાવણી સાંભળ્યા બાદ હાઇકોર્ટે જણાવ્યું હતું કે, અગાઉના હુકમમાં પુનઃવિચાર માટે જે જસ્ટિસ દ્વારા આ સમગ્ર કેસ ચાલ્યો હતો. તે જ જસ્ટિસ આ કેસને સંભાળશે. તેથી આ કેસ હવે જસ્ટિસ આશુતોશાસ્ત્રી અને જસ્ટિસ ઈલેશ બોરાની બેંચ સમક્ષ કેસને મુકવા માટે એક્ટિવ ચીફ જસ્ટિસની ખંડપીઠ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Exclusive Interview : એક મહિનામાં શહેરની તમામ શાળાઓ પાસે ફાયર NOC હશે- ચીફ ફાયર ઓફિસર
સ્થળાંતર કરવાના આદેશથી વિવાદ : ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઇકોર્ટમાં છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ફાયર સેફટી એક્ટની અમલવારી મુદ્દે સુનાવણી ચાલી રહી છે. જેમાં હાઇકોર્ટે કેટલાક આગળના બનાવોને ધ્યાનમાં રાખીને હોસ્પિટલોમાં ICUને ઉપરના માળેથી ગ્રાઉન્ડ ફ્લોરમાં સ્થળાંતર કરવાનો આદેશ આપતા વિવાદ સામે આવ્યો હતો. આ નિર્ણયના વિરોધમાં ગુજરાત ઇન્ડિયન મેડિકલ એસોસિયન દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો. ત્યારે ફરી એકવાર આ મુદ્દો હાઇકોર્ટ સમક્ષ મુક્યો છે.