અમદાવાદ : પતિ પત્નીના લગ્નજીવનમાં ક્યારેક સામાન્ય તકરારમાં વાત છુટાછેડા સુધી પહોંચતી હોય છે, ત્યારે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એક અનોખો કહી શકાય એવો છૂટાછેડાનો કેસ સામે આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા એક એવા મહિલાના છૂટાછેડા મંજુર કર્યા છે કે, પતિ દ્વારા છૂટાછેડાની અરજીનો વિરોધ કરવામાં આવતો હતો, પરંતુ પત્નીએ ત્રણ મહિના પહેલા સંસાર ત્યાગ કરી દેતા તેના છૂટાછેડા ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે.
હાઈકોર્ટ છૂટાછેડા કર્યા મંજૂર : ગુજરાતમાં જૈન મહિલાએ ત્રણ મહિના પહેલા દીક્ષા લઈને સંસાર છોડ્યા બાદ હાઇકોર્ટે તેના છૂટાછેડા મંજૂર કર્યા છે. જોકે આ મહિલાનો પતિ તેની પત્નીથી છુટાછેડાની માંગનો વિરોધ કરી રહ્યો હતો, પરંતુ મહિલાએ સંસાર ત્યાગ કરી દેતા પતિએ આ વાતનો વિરોધ નોંધાયો ન હતો.
શું છે સમગ્ર મામલો : સમગ્ર કેસની વાત કરવામાં આવે તો, આ મામલો સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ શહેરનો છે. જ્યાં જૈન મહિલા અને તેના હિન્દુ બોયફ્રેન્ડે ફેબ્રુઆરી 2017માં મહિલાના પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કરી લીધા હતા. જોકે લગ્ન કર્યા બાદ તેઓ ચાર મહિના સુધી સાથે રહ્યા હતા. આ ચાર મહિનામાં જ તે બંને વચ્ચે અણબનાવ બનવા લાગ્યા હતા. બંને વચ્ચે ઘર કંકાસ વધી જતાં મહિલાએ પોતાના પિતાના ઘરે જતી રહી હતી. મહિલા તેના પિતાના ઘરે જતા રહેતા પતિ દ્વારા પત્નીના સર્ચ વોરંટ માટે મેજિસ્ટ્રેટ કોર્ટનો સંપર્ક કર્યો હતો. પરંતુ મહિલાએ તેના પતિના ઘરે આવવાનો ઇનકાર કરી દીધો હતો.
છૂટાછેડાની અરજી ફગાવી : વર્ષ 2018માં મહિલાએ તેના પતિ દ્વારા ક્રુરતાનો આરોપ લગાવીને સુરેન્દ્રનગરની ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટેનો દાવો દાખલ કર્યો હતો. જોકે પતિ આની વિરુદ્ધમાં હતો. પતિએ છૂટાછેડા નહીં થવા માટે કોર્ટમાં અરજી દાખલ કરી હતી. સુરેન્દ્રનગર કોર્ટે છૂટાછેડાની આ અરજીને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે પત્ની પતિ પરના જે આરોપો છે તે સાબિત કરવામાં નિષ્ફળ રહી છે તેથી છૂટાછેડાની આ અરજીને ફગાવવામાં આવે છે.
આ પણ વાંચો : Gujarat High Court: ધારાસભ્યો, સાંસદ સામે કોર્ટમાં પડેલા પડતર કેસમાં ઘટાડો નોંધાયો
ધાર્મિક પુરાવા કોર્ટમાં : વર્ષ 2019માં મહિલાએ ફેમિલી કોર્ટના આ આદેશને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. આ સમગ્ર મામલે મહિલાના એડવોકેટ ભૌમિક ઢોલરીયાએ, જણાવ્યું હતું કે ફેમિલી કોર્ટનો આ નિર્ણય ખોટા કારણોને આધારે લેવામાં આવ્યો છે. તેથી મહિલાને છૂટાછેડા આપવામાં આવે. મહત્વનું છે કે મહિલાની અપીલ છેલ્લા 3 વર્ષની વધુ સમયથી ગુજરાત હાઇકોર્ટના પેન્ડિંગ રહી હતી. પરંતુ 2022ના ડિસેમ્બરમાં મહિલાના પિતા કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી કે જેમાં તેમણે જણાવ્યું હતું કે તેમની પુત્રીનો મૂળ ધર્મ જૈન છે. મહિલાએ 28 નવેમ્બર 2022ના રોજ અમદાવાદના એક સમારોહમાં દીક્ષા લઈને સંસારનો ત્યાગ કર્યો હતો. મહિલાએ દીક્ષા લીધેલા આમંત્રણ કાર્ડ અને તેમજ કાર્યક્રમની જે ધાર્મિક વિધિના પુરાવાઓ પણ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : Chief Justice Sonia Gokani Oath : ગુજરાત હાઇકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટીસે લીધા શપથ
આ પ્રમાણે કર્યા છુટાછેડા મજુર : આ સમગ્ર મામલે હિન્દુ લગ્ન અધિનિયમની કલમ 13(1)નો ઉલ્લેખ કરતા કહેવામાં આવ્યું હતું કે, ધાર્મિક હુકમ દાખલ કરીને સંસારનો ત્યાગ કરવો એ છુટાછેડા માટે યોગ્ય છે. આ સમગ્ર મામલાની સુનાવણી બાદ હાઇકોર્ટે મહિલાના પતિ સામે પત્નીની દીક્ષાના સંભારમ માટેના દસ્તાવેજો અને આમંત્રણ કાર્ડ તેમની સમક્ષ મૂકવામાં આવ્યા હતા. આ તમામ દસ્તાવેજોને વિશે તપાસ કર્યા બાદ તેમણે કોર્ટને કહ્યું હતું કે, તેમની પત્નીએ સંસાર ત્યાગ કરી દીધો હોવાથી તે છૂટાછેડાની અરજીનો વિરોધ કરશે નહીં, આ મામલે હાઇકોર્ટ સંબંધિત આદેશ પસાર કરી શકે છે, ત્યારે આ સમગ્ર મામલાને ધ્યાનમાં રાખીને કોર્ટે મહિલાના છૂટાછેડાની અરજીને માન્ય રાખી હતી અને છૂટાછેડા મંજૂર કર્યા હતા.