અમદાવાદ : આજીવન કેદની સજા ભોગવનાર બિરજુ સલ્લાએ મુંબઈ દિલ્હી ફ્લાઈટ હાઈજેક કરવાના કેસમાં સ્પેશિયલ NIA કોર્ટે દોષિત જાહેર કર્યો હતો. હાઇજેકિંગ એક્ટ 2016 હેઠળ આજીવન કેદની સજા ફટકારી હતી. NIA કોર્ટના આ ચુકાદાને બીરજુએ ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જસ્ટિસ એ.એસ સુપેહિયા અને જસ્ટિસ એમ.આર. મેંગડેની ખંડપીઠે બિરજુને નિર્દોષ જાહેર કર્યો છે. આ સાથે જો બિરજુએ દંડ ચૂકવ્યો હોય તો તેને પણ પરત કરવાનો હાઇકોર્ટે આદેશ આપ્યો છે. આ સાથે જ હાઇકોર્ટે મુસાફરોને વળતરની રકમ પણ પરત કરવાનો આદેશ આપ્યો છે.
શું છે સમગ્ર મામલો : આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો બિરજુ સલ્લાની દિલ્હી એરલાઈનમાં કામ કરતી પ્રેમિકા મુંબઈ શિફ્ટ થઈ હતી. આથી બિરજુએ નારાજ થઈને તેને ડરાવવા માટે 30 ઓક્ટોબર 2017 ના રોજ દિલ્હી મુંબઈ જેટ એરવેઝની ફ્લાઈટના ટોયલેટના પ્લેનમાં હાઈજેક કરવાનો ધમકી આપતો પત્ર મુક્યો હતો. આ પત્રમાં બીરજુએ લખ્યું હતું કે, ફ્લાઈટમાં હાઈજેકર્સ હાજર છે. ફ્લાઇટના ક્રુ મેમ્બર્સને ફ્લાઈટના બાથરૂમમાંથી આ પત્ર મળી આવ્યો હતો. કૃ મેમ્બર્સને જાણતા જ તેમને પાયલટને એલર્ટ કર્યા હતા. ત્યારબાદ ફ્લાઇટનું અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
આજીવન કેદની સજા : આ સમગ્ર મામલાને ત્યારબાદ તપાસ માટે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને સોંપવામાં આવ્યો હતો. એજન્સીએ તપાસ દરમિયાન બિરજુ સલ્લાની ધરપકડ કરી હતી. એજન્સીએ તપાસ પૂર્ણ કરીને વર્ષ 2018 ની જાન્યુઆરીમાં બિરજુ વિરુદ્ધ ચાર્જશીટ ફાઈલ કરી હતી. ત્યારબાદ આ સમગ્ર કેસની ટ્રાયલ ચાલી હતી. બિરજુને 119 પેસેન્જરના જીવને જોખમમાં મૂકવાના આરોપમાં 2019 મા આજીવન કેદની સજા અને પાંચ કરોડ રૂપિયાના દંડની સજા ફટકારવામાં આવી હતી. મહત્વનું છે કે, એન્ટી હાયજેકિંગના કાયદા હેઠળ સજા પામનાર બીરજુ પહેલો આરોપી હતો.
આરોપીનો આશય : અત્રે નોંધનીય છે કે, બીરજુએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે, તેને એવું લાગતું હતું કે પ્લેનમાં હાઈજેક વાળી ચિઠ્ઠી મૂકવાથી જેટ એરવેઝની ફ્લાઈટ બંધ થઈ જશે. ત્યારબાદ તેની ગર્લફ્રેન્ડ જે એરલાઇનની દિલ્હી ઓફિસમાં કામ કરે છે તે મુંબઈ પાછી આવી જશે.