અમદાવાદઃ ગુજરાત હાઈ કોર્ટે બુધવારે અમદાવાદ જિલ્લાના એક ટ્રસ્ટ દ્વારા સંચાલિત હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ 17 દર્દીઓને દ્રષ્ટિમાં ખામી સર્જાવાના સમાચારને ધ્યાને લઈ આ ઘટનાને ભયાનક ગણાવી છે. ન્યાયાધીશ એએસ સુપેહિયા અને ન્યાયાધીશ વિમલ કે. વ્યાસની સંયુક્ત બેન્ચે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સચિવ તેમજ અમદાવાદ(ગ્રામ્ય)ના એસપીને નોટિસ પાઠવી છે. જેમાં 7 ફેબ્રુઆરી સુધી પ્રાથમિક રીપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો છે.
ન્યાયાધીશ સુપેહિયાએ કહ્યું કે, અમે 17મી જાન્યુઆરીના રોજ પ્રકાશિત થયેલ સમાચારનું સ્વઃ સંજ્ઞાન લઈએ છીએ કારણ કે, આ એક ગંભીર ઘટના છે જેની સીધી હાનિકારક અસર વૃદ્ધ દર્દીઓની આંખોમાં રહેલ દ્રષ્ટિ પર થઈ રહી છે. તેમણે કહ્યું કે, સર્જરી સમયે કોઈ બોગસ દવાનો ઉપયોગ થયો છે કે મેડિકલ પ્રોટોકોલ અથવા અન્ય સુવિધાનો અભાવ હતો. આ પ્રોટોકોલ કે સુવિધા કે જેનો ઉપયોગ આંખના ઓપરેશન પહેલા જરુરી હોય છે.
કોર્ટે કહ્યું કે, સમાચાર અનુસાર આ ખામી યુક્ત ઓપરેશન કરનાર જવાબદાર કોઈ તબીબ કે કર્મચારી વિરુદ્ધ રાજ્ય સરકારના અધિકારીઓ દ્વારા કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. આ કિસ્સામાં આરોપીઓની જવાબદારી નક્કી કરવા માટે ઊંડાણપૂર્વકની પ્રમાણિત તપાસ થવી જરુરી છે. જે દર્દીઓએ સંપૂર્ણ કે આંશિક દ્રષ્ટિ ગુમાવી છે તેમને યોગ્ય વળતર પણ મળવું જોઈએ.
કોર્ટે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ અમદાવાદ(ગ્રામ્ય) એસપીને નોટિસ ફટકારી છે. આ સંદર્ભે આગામી સુનાવણી 7મી ફેબ્રુઆરીના રોજ મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલ સામે કરવામાં આવશે. અમદાવાદ જિલ્લાના એક ટ્રસ્ટ દ્વારા સંચાલિત હોસ્પિટલમાં આ ઘટના ઘટી છે. જેમાં મોતિયાના ઓપરેશન બાદ 17 દર્દીઓની આંશિક કે સંપૂર્ણ દ્રષ્ટી જતી રહી છે. આ ઘટનામાં કોર્ટે અધિકારીઓને તપાસના આદેશ કર્યા છે.
ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે આ સમગ્ર કિસ્સાની તપાસ માટે 9 નિષ્ણાંત સભ્યોની સમિતિની રચના કરી છે. સાથે જ માંડલ ગામની આંખની હોસ્પિટલને આગળ આદેશ ન મળે ત્યાં સુધી મોતિયાના ઓપરેશન બંધ રાખવા કહ્યું છે. માંડલના રામાનંદ આઈ હોસ્પિટલમાં મોતિયાનું ઓપરેશન કરાવેલ 5 દર્દીઓને જ્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તપાસ માટે આઈ સેક્શનમાં મોકલવામાં આવ્યા ત્યારે સમગ્ર ઘટના સામે આવી. આ ઘટનામાં દર્દીઓની સઘન તપાસ અને સારવાર માટે અમદાવાદ અને માંડલ ગામની હોસ્પિટલમાં ડૉક્ટર્સ જોડાઈ ગયા છે.
માંડલ ગામની હોસ્પિટલમાં આ મહિને અંદાજિત 100 મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા છે. આ દર્દીઓએ વિરમગામમાં યોજાયેલ એક આઈ ચેકઅપ કેમ્પમાં પોતાની આંખોનું પરીક્ષણ કરાવ્યું હતું. (પીટીઆઈ)