અમદાવાદ: ગુજરાત સરકાર અને સરકારી અધિકારીઓની ચિંતન શિબિરનો આજથી પ્રારંભ થયો છે. આ ચિંતન શિબિર ત્રણ દિવસ ચાલશે. આ શિબિરમાં રાજ્યના મુખ્યપ્રધાન, પ્રધાનો, મુખ્ય સચિવો, સનદી અધિકારીઓ સહિત જિલ્લા કલેક્ટર, ડીડીઓ, મહાનગરના કમિશનરો, વિભાગના વડાઓ વિગેરે ઉપસ્થિત રહીને બ્રેઈન સ્ટ્રોમીંગ ચર્ચા કરશે.
ગુડ ગવર્નન્સનો હેતુ: 2003માં મુખ્યપ્રધાને પદે તત્કાલીન વડાપ્રધાન નરેન્દ્ર મોદી હતા, ત્યારે તેમણે આવી ચિંતન શિબિર શરૂ કરી હતી. તેમનો હેતુ એ હતો ગુજરાતમાં સત્તા પર બેઠેલી ચૂંટાયેલી પાંખ અને સરકારી અધિકારીઓ એકબીજાની નજીક આવે અને સુચારૂરૂપે ગુજરાતનો વહીવટ કરી શકાય. તેમજ ગુજરાતના લોકોનું હિતને ધ્યાનમાં રાખીને તે વિષયો પર મોકળા મને ચર્ચા કરવી. ગુડ ગવર્નન્સની સાથે ગુજરાતના છેવાડાના માનવી સુધી ગુજરાતના વિકાસના ફળ ચાખવા મળે અને તે કેવી રીતે કરી શકાય તે અંગે ચર્ચા આ ચિંતન શિબિરમાં થતી હોય છે.
ગુજરાતમાં અનેકક્ષેત્રોમાં ખૂબ સુધારા: જાણીતા રાજકીય તજજ્ઞ જયવંતભાઈ પંડ્યાએ ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 2003માં નરેન્દ્રભાઈ મોદીએ આવી ચિંતન શિબિર શરૂ કરાવી હતી. તેને 20 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આવી ચિંતન શિબિર કર્યા પછી ગુજરાતમાં અનેક ધરખમ પરિવર્તન થયા છે. રસ્તા, વીજળી, પાણી, શિક્ષણ, પરિવહન, ધંધા ઉદ્યોગમાં ખૂબ જ મોટાપાયે સુધારા થયા છે. અને તેના વિકાસના ફળને કારણે જ ગુજરાત આજે બીજા રાજ્યોની સરખામણીએ આગળ છે.
ચિંતન શિબિરના લાભ: જો કે આવી ચિંતન શિબિર યોજયા પછી તેનું કેટલું અમલીકરણ થાય છે, અને છેવાડાના માનવી સુધી સુચારૂ વહીવટી પ્રક્રિયાથી લાભ થાય છે કે નહી, તે પણ જોવું જોઈએ. અને સામાન્ય રીતે એવી એક છાપ ઉભી થતી હોય કે અધિકારી રાજ ચાલે છે. તેવું પણ ન હોવું જોઈએ. ટૂંકમાં ચિંતન શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ગુજરાત સરકાર અને સરકારી અધિકારીઓ સાથે મળીને સરકારે લીધેલા નિર્ણયોનું અમલીકરણથી માંડીને તેના ફાયદા કે લાભ પ્રજાને કેટલો થયો છે. પ્રજાને કોઈ અગવડ તો નથી ને? અથવા તો ગાંધીનગરથી બહાર નીકળીને ગુજરાત સરકાર અને અધિકારીઓ એકબીજાની વધુ નજીક આવે તે હેતુ પણ છે.
- Chhotaudepur News : હવે ભાજપના થયાં પૂર્વ કોંગ્રેસ એમએલએ ધીરુભાઇ ભીલ, છોટાઉદેપુર કોંગ્રેસને પડયો મોટો ફટકો
- Baba Bageshwar Dham: ગુજરાતમાં બાગેશ્વર બાબા અને વિવાદનું વંટોળ, રાજકીય અને સામાજિક ફાટા પડ્યા
- Clerk Examination Rule : સરકારે વર્ગ 3ની ભરતી માટે નવા નિયમો જાહેર કર્યા, બે તબક્કામાં લેવાશે પરીક્ષા
ગુજરાતમાં અધિકારી રાજ, તે છાપ ભૂંસાવી જોઈએ: જયવંતભાઈ પંડ્યાએ વધુમાં કહ્યું હતું કે છેલ્લા કેટલાક વખતથી એવું અનુભવાય છે કે ગુજરાતમાં અધિકારી રાજ છે. આવી ચિંતન શિબિર અને તેનું પરિણામ ગુજરાતની ધરાતળ સુધી પહોંચતું નથી, તે માટે પ્રધાનોએ કડક થઈને કામ કરાવવું જોઈએ. પ્રધાનોના ખાતાની બદલીઓ પણ વારંવાર ન થવી જોઈએ. અને સરકારે કરેલ નિર્ણયનો અમલ અધિકારી પાસે કરાવવો જોઈએ તો જ આ ચિંતન શિબિરનો હેતુ સાર્થક થશે.
ચિંતન કર્યા પછી પ્રજાભિમુખ વહીવટ કરી શકાય: અગ્રણી રાજકીય વિશ્લેષક શિરિષ કાશીકરે ETV Bharatને જણાવ્યું હતું કે ચિંતન શિબિર કરવા પાછળ પૂર્વ મુખ્યપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આશય એ હતો કે રાજ્યનો વહીવટ કરતાં અધિકારીઓ અને પ્રજાના પ્રતિનિધિઓ વચ્ચે એક સંવાદ થાય, કઈક અલગ કરવાનું વિચારતા સનદી અધિકારીઓને પ્રોત્સાહન મળે. શિબિરમાં જે ચિંતન થાય અને તેમાંથી જે સાર નીકળે તેના આધારે પ્રજાભિમુખ વહીવટ કરી શકાય. મારા ખ્યાલ પ્રમાણે તેમના પછી આવેલા મુખ્યપ્રધાનોએ પણ આ વ્યવસ્થા સુપેરે જાળવી છે અને તેની અસરો રાજ્ય સરકારના નિર્ણયો પર પણ વારંવાર દેખાઈ છે. ખાસ તો કામના સ્થળેથી દૂર એવા સ્થળોએ યોજાતી આ શિબિર અધિકારીઓ અને મંત્રીઓને પણ થોડું મોકળાશવાળું વાતાવરણ આપે છે જે સતત કામના તણાવને ઓછો કરે છે અને નવી ઊર્જા આપે છે.
પાંચ મહત્વના વિષયો પર ચર્ચા અને ગ્રૂપ ડિસ્કશન: આ ચિંતન શિબિરમાં પાંચ મુખ્ય વિષય પર ચર્ચા સત્રો અને ગ્રૂપ ડિસ્કશન થવાનું છે. જેમાં (1) આરોગ્ય અને પોષણ (2) શહેરીકરણ અને માળખાકીય વિકાસ (3) સરકારી અને તમામ સ્વાયત સંસ્થાઓના કર્મચારીઓ માટે તાલીમ અને ક્ષમતા નિર્માણ (4) શિક્ષણમાં ગુણાત્મક સુધારો અને (5) ગ્રામીણ વિસ્તારોમાં માળખાકીય અને ક્ષમતાનિર્માણ. જો કે હાલ ગુજરાતમાં આ પાંચ મુદ્દા પર વધુ ભાર આપીને કાર્ય કરવાની જરૂર છે, તેવું સરકારને લાગ્યું છે અને પાંચ મુદ્દા પણ પ્રજાને સીધા સ્પર્શે છે. તેમાં વધુ શું સારૂ કરી શકાય તે માટે વિવિધ વિષયોના તજજ્ઞો આ ચર્ચામાં ભાગ લઈને માર્ગદર્શન પણ આપવાના છે.
ભષ્ટાચાર ઓછો કેવી રીતે થાય તેની ચિંતા કરોઃ કૉંગ્રેસ પ્રવક્તા ડો. મનીષ દોષીએ E TV Bharat સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે ગુજરાત સરકારે ચિંતન શિબિર કરવાની જરૂર નથી. ગુજરાતની જનતાની ચિંતા કરવાની જરૂર છે. આજ ગુજરાતમાં સરકારી કચેરીમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. કોઈ સરકારી કચેરીના ધક્કા ખાઈને થકી ગયા છે. રાજ્યમાં 27 વર્ષથી સરકાર છે. પણ હજુ સુધી ખેડુતના પાક વીમાના પૈસા આપવામાં આવ્યા નથી. કોરોનાકાળમાં પણ જનતા ભારે મુશ્કેલીમાં મુકાઈ હતી. રાજ્યમાં સરકારી શાળા બંધ કરીને ખાનગી શાળાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જેના કારણે આજ રાજ્યમાં શિક્ષણ પણ મોંઘું થયું છે. એટલે સરકારે રાજ્યમાં ભ્રષ્ટાચાર ઓછો કેવી રીતે થાય લોકો વધુમાં વધુ સારી સુવિધા કેવી રીતે મળી રહે તેની ચિંતા કરવાની જરૂર છે.
નવી ટેકનોલોજીના ઉપયોગથી ઝડપી નિર્ણયો લેવાશેઃ રાજ્ય સરકારના પ્રવકતા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ચિંતન શિબિરમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અધિકારીઓ, પદાધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરીને પ્રજાને પડતી મુશ્કેલીઓનો અંત લાવવા ચર્ચા કરીને હોલિસ્ટિક એપ્રોચ રાખીને અમલ કરી શકાય. ગુજરાતનું મોડલમાં પ્રજાને પડતી મુશ્કલીઓમાંથી કેવી રીતે બહાર કાઢી શકાય. પાંચ વિષયો પર ચર્ચા કરીને આ પાંચેય વિભાગમાં નવી ટેકનોલોજી અને આર્ટિફિશિલ ઈન્ટેલિજન્સનો કેવી રીતે ઉપયોગી બનાવી અને ઝડપી નિર્ણયો લઈ શકાય. તેમજ સુધારા કરવા એ સતત ચાલતી પ્રોસેસ છે, અને તે અંગે ગુજરાત સરકાર હરહંમેશ તૈયાર રહે છે. ચિંતન શિબિરમાં જનસુખાકારી કેમ વધે તે માટે પણ ડિસ્કશન થશે.