અમદાવાદ : કોરોના વાયરસના સંક્રમણ કાળમાં ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષાઓ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ પરિણામની રાહ જોઈને બેઠા હતા. ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ 17 મેના રોજ ધોરણ12ની વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ તેની અખબારી યાદીમાં કોઈએ છેડછાડ કરીને સમય તેમજ તારીખ બદલીને સોશિયલ મીડિયામાં અફવા ફેલાવી હતી કે, 19 મે નારોજ ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ પણ જાહેર કરવામાં આવશે.
જો કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સોશિયલ મીડિયા અને અમુક ઇલેક્ટ્રોનિકમીડિયા દ્વારા દર્શાવવામાં આવેલા આ અહેવાલનું ખંડન કર્યું હતું. આ અહેવાલો ખોટા છે, તેમ એક અખબારી યાદી દ્વારા પ્રસિદ્ધ કર્યું હતું.આ સાથે બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જ્યારે પણ પરિણામ જાહેર કરવામાં આવશે. ત્યારે તેની માહિતી બોર્ડની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે.
જ્યારે ધોરણ-12ના વિજ્ઞાન પ્રવાહના જાહેર થયેલા પરિણામ ઉપર બોર્ડે કહ્યું હતું કે, જે વિદ્યાર્થીઓને મુશ્કેલી કે અસંતોષ જણાય તે પોતાના શાળાના આચાર્યનો સંપર્ક કરે અને શાળાના આચાર્યો પ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લા શિક્ષણ અધિકારીનો કે બોર્ડની કચેરીનો સંપર્ક કરે.