અમદાવાદ : ઘણા પ્રયત્નો બાદ શનિવારે આખરે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી સંપન્ન થઈ છે. કોરોના વાઇરસની ગાઈડલાઈનના નિયમો પાળવાની સાથે સવારે 8 કલાકેથી શરૂ થયેલી ચૂંટણી સાંજે 4 કલાક અને 30 મિનિટ સુધી ચાલી હતી. અમદાવાદ જિલ્લા કલેકટરની દેખરેખ હેઠળ જ્યારે આ ચૂંટણી સંપન્ન થઈ છે. ત્યારે જિલ્લા કલેક્ટરે ચૂંટણી વ્યવસ્થા અંગે ચેમ્બર ઓફ કોમર્સની મુલાકાત કરીને વ્યવસ્થાની પ્રશંસા કરી હતી.
રવિવારે સવારે 10ઃ30 કલાકે મતગણતરી શરૂ થશે અને બપોર સુધીમાં પરિણામ જાહેર થશે. મુખ્ય બે પક્ષ પ્રગતિ પેનલ અને આત્મનિર્ભર પેનલના ઉમેદવારો વચ્ચે ચેમ્બર ઓફ કોમર્સના વિવિધ હોદ્દાઓને લઈને આ ચૂંટણી યોજાઇ હતી. જેમાં કુલ 26 ઉમેદવારોએ ભાગ લીધો હતો. છેલ્લા આંકડા મુજબ 50 ટકા જેટલું મતદાન થયું છે. જો કે, તેમ છતાં શાંતિપૂર્વક ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી સંપન્ન થઈ છે.
4 વર્ષ બાદ ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ગુજરાત પ્રખ્યાત ઉદ્યોગસાહસિકો પણ મત આપવા પહોંચ્યા હતા. આ ચૂંટણીમાં બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, ત્યારે મતપેટીમાં ઉમેદવારોનું ભાવિ સીલ થઈ ગયું છે. ચૂંટણીને લઈને ચેમ્બર ઓફ કોમર્સની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.
આત્મનિર્ભર અને પ્રગતિ પેનલ એમ બન્નેના અગ્રણી સભ્યોએ પોતાની પેનલનો વિજય નિશ્ચિત છે, તેમ જણાવ્યું હતું, પરંતુ એ વાત નક્કી છે કે, જે પણ પેનલ વિજયી થાય, તેમની સામે કોરોનાના કપરા કાળમાં ગુજરાતના ઉદ્યોગોને ફરી બેઠા કરવાનો એક મોટો પડકાર હશે.