અમદાવાદ: ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા કોરોના સંક્રમિત થયા છે. તેમને વધુ સારવાર માટે યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભાજપ કાર્યલય કમલમમાં પણ 6 લોકો કોરોના પોઝિટિવ થયા છે.
છેલ્લા સાત દિવસમાં ભરત પંડ્યાના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને કોરોના ટેસ્ટ કરાવી લેવાની વિનંતી કરવામાં આવી છે. બીજી તરફ મળતી વિગતો પ્રમાણે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ કોરોનાનું એપી સેન્ટર બન્યું છે. કમલમના 6 લોકો કોરોના સંક્રમિત થયા છે.
ભાજપ પ્રદેશના કાર્યાલયની બહાર રિબીનવાળા બેરીકેડ લગાવવામાં આવ્યા છે. પ્રદેશ કાર્યાલય મંત્રી પરેશ પટેલ પણ પોઝિટિવ થયા છે. તેમજ પ્રદેશ મહિલા મોરચાના મોના રાવલ, કમલમના ટેલિફોન ઓપરેટર રાકેશ પંડયા, કમલમમાં સફાઈકર્મીઓનો ડ્રાઈવર અને કમલમના 2 સફાઈ કર્મચારીઓ પણ કોરોના પોઝિટિવ થયા છે. અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલ અને તેમના પત્ની પણ કોરોના સંક્રમિત થયા છે.