અમદાવાદઃ દેશના અર્થતંત્રને ખોખલું કરવાના ષડયંત્રનો ગુજરાત ATSએ પર્દાફાશ કર્યો છે. કરોડો રૂપિયાની નકલી ચલણી નોટો અસલી તરીકે બજારમાં ફરતી કરવાના ગુનાને અંજામ આપનારા 6 શખ્સોની સુરતના અમરોલીમાંથી ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો Asaram rape case: આસારામ દુષ્કર્મ કેસ મામલે આસારામ દોષિત જાહેર, આવતીકાલે સંભળાવશે સજા
ATSએ પાડ્યા દરોડાઃ ગુજરાત ATSને બાતમી મળી હતી કે, કેટલાક ઈસમો ગુનાહિત ટોળકી બનાવીને નકલી સોનાચાંદી અને નકલી તથા ચિલ્ડ્રન્સ બેન્કની નોટો થકી લોકો સાથે મોટા પ્રમાણમાં છેતરપિંડી કરી રહ્યા છે. તેમ જ તેઓનો કારોબાર આણંદ જિલ્લાથી નવસારી જિલ્લા સુધી ફેલાયેલો છે. આ જ બાતમીના આધારે પોલીસે વધુ તપાસ કરતા માહિતી મળી હતી કે, ટોળકીના સભ્યો સુરતના અમરોલી ખાતે તેમની ઑફિસમાં ભેગા થવાના છે. આથી ગુજરાત ATSની ટીમે અમરોલી ખાતે દરોડા પાડીને 6 ઈસમોની ધરપકડ કરી છે.
આ આરોપીઓની ધરપકડઃ આ સમગ્ર મામલે ગુજરાત ATSએ જમીન દલાલ મનસુખ ઉર્ફે મનીષ ઉમરેઠિયા, જમીન દલાલ પીયૂષ ઉર્ફે મનીષ ઉમરેઠિયા, ડ્રાઈવર મૂકેશ ઉર્ફે કાનો સરવૈયા, ડ્રાઈવર જયસુખ બારડ, ડ્રાઈવર નરેશ ઉર્ફે ભાવેશ ઉર્ફે હરેશ આહીર અને જમીન દલાલ પરેશ ઉર્ફે પ્રકાશ પરમારની ધરપકડ કરી છે.
આરોપીઓ છેતરપિંડી કરવાની ફિરાકમાં જ હતાઃ પાસેથી 500 અને 2,000 રૂપિયાના દરની 4 કરોડ રૂપિયાની નકલી નોટો તેમ જ 50 નકલી ગોલ્ડ અને 10 નકલી સિલ્વરની લગડીઓ કબજે કરવામાં આવી હતી. જ્યારે ઝડપાયેલા આરોપીઓ નોટોના બંડલ બનાવી લોકોને અસલ ચલણી નોટો તરીકે આપી છેતરપિંડી કરવાની તેમ જ ગોલ્ડ અને સિલ્વરની લગડીઓ લોકોને વીડિયો કૉલ કરીને અસલી તરીકે બતાવી અસલીના ભાવે આપી મોટા પ્રમાણમાં છેતરપિંડી કરવાની તજવીજમાં હતા.
ATSને મળી મોટી સફળતાઃ ભારતીય ચલણી નોટોની કલર પ્રિન્ટવાળા બંડલોને અસલ ચલણી નોટો તરીકે ચલણમાં ચલાવવાના હતા. તેમ જ ભારતીય ચલણી નોટોની બીજી કલર પ્રિન્ટો કાઢી ચલણમાં લાવવા કાગળો કાપીને બંડલો પણ તૈયાર કર્યા હતા. જોકે, આ મામલે ઝડપાયેલા તમામ આરોપીઓ સામે અમરોલી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી અમરોલી પોલીસને સોંપવામાં આવી છે. જોકે, કરોડો રૂપિયાની નકલી નોટો અર્થતંત્રમાં ફરતી થાય તે પહેલા જ પકડી પાડતા હાલતો ગુજરાત એટીએસએ મોટી સફળતા હાંસલ કરી છે.