ગાંધીનગરઃ વિધાનસભા સત્ર પહેલા અમિત ચાવડાની અધ્યક્ષતામાં કોંગ્રેસના ધારાસભ્યોએ પેપરલીક કાંડને લઈને વિરોધ કર્યો હતો. કોંગ્રેસે સુત્રોચ્ચાર કરી પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભાજપ છટકબારી વાળું બિલ લઈને આવી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે.
વિરોધ પ્રદર્શનઃ ગુજરાત ભાજપના ત્રણ ધારાસભ્યોએ વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થાય તે પહેલા જ સરકાર સમક્ષ રજૂઆત કરવાને બદલે લેટર બોમ્બનો ઉપયોગ કર્યો છે. જાહેરમાં વિરોધ કરીને મીડિયામાં છવાયા છે. ભાજપના જ ધારાસભ્યો ભાજપ સરકારની સીસ્ટમ સામે સવાલો કર્યા છે. વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે બરોડ ડેરીમાં ભષ્ટાચાર મુદ્દે ખુલ્લમખુલ્લા વિરોધ કર્યો છે. સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ટ્રાફિકની સમસ્યા મુદે પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ થતો હોવાનો ઉલ્લેખ કરીને DSPને પત્ર લખ્યો છે. હાર્દિક પટેલે કાલા કપાસના તોલમાપ અને ટેકાના ભાવ મુદ્દે કૃષિપ્રધાન રાઘવજી પટેલને પત્ર લખ્યો છે. આ બે લેટર બોમ્બ ખુબ ચર્ચામાં રહ્યા છે.
વિધાનસભામાં શું અને કેવી રજૂઆત કરશે : 23 ફેબ્રુઆરીએ શરૂ થનારી ગુજરાત વિધાનસભામાં આ બે લેટર બોમ્બ અને ભષ્ટાચારના આરોપ સામે વિપક્ષો સરકારની મજા લઈ શકે છે. વિધાનસભામાં આ મુદ્દે ભાજપના આ જ ધારાસભ્યો શું રજૂઆત કરશે અને તે રજૂઆત કેવી રીતે કરશે તે હાલ સવાલ થઈ રહ્યો છે.
વડોદરા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર : બરોડા ડેરીમાં થયેલ ભ્રષ્ટાચાર મામલે સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર અન્ય પાંચ મુદ્દાને લઈ પત્રકાર પરિષદ કરી હતી. જેમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાના પુરાવા રજૂ કર્યા હતા. તેમજ યોગ્ય તપાસ નહીં થાય તો આંદોલન કરવાની ધમકી પણ આપી દીધી હતી. બરોડા ડેરીના શાસકોએ પોતાના માનીતા લોકોને નોકરી આપી, જરૂર ન હોય ત્યાં નાણાંનો વ્યય કર્યો, ગેરકાયદેસર ઠરાવ કરી ચૂંટણીમાં આર્થિક લાભ માટે મતદારો ઉભા કર્યા છે. આવા અનેક આક્ષેપો લગાવ્યા હતા.
ભરતી કૌભાંડ મામલે તપાસના આદેશ : કેતન ઇનામદારે બરોડા ડેરીમાં ડિરેક્ટરો દ્વારા તેમના સંબંધીઓને નોકરી આપી હોવા તથા લાયકાત ન હોય તેવા લોકોની ભરતી કરી દીધી હોવાના આક્ષેપ કરી કલેક્ટર સાથે આ મામલે મુલાકાત કરી હતી. આ મામલે તપાસની માગણી કરી હતી. ત્યારે હવે ભરતી કૌભાંડ મામલે જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા તપાસ કરશે તેવો આદેશ આપવામાં આવ્યો છે.
સુરત વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી : સુરતના વરાછા વિધાનસભા બેઠક પરના ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરત DSPને પત્ર લખીને ફરીથી વિવાદ સર્જ્યો છે. કુમાર કાનાણીએ સુરત શહેરની ટ્રાફિકની સમસ્યાને લઈને સુરત ટ્રાફિક પોલીસીની કામગીરીને લઈને પ્રશ્નો કર્યા છે. કાનાણીએ પત્રમાં લખ્યું છે કે પ્રતિબંધિત સમયમાં ભારે વાહનો સુરત શહેરની હદ વિસ્તારમાં પ્રવેશ કરે છે. પોલીસની કામગીરીથી તેઓ સંતુષ્ટ નથી. એવું આ પત્રમાં લખ્યું છે. પોલીસ કમિશનરના જાહેરનામાનો સરેઆમ ભંગ થાય છે.
કાનાણી ત્રણ વખત પત્ર લખીને વિવાદમાં આવ્યા છે : ભાજપના ધારાસભ્ય તેમની સરકારની પોલીસની કામગીરી સામે સવાલો કર્યા છે. એટલે આ પત્ર વિવાદ વધુ ચર્ચામાં રહ્યો હતો. આ અગાઉ પણ કાનાણી ત્રણ વખત પત્રો લખીને વિવાદમાં આવ્યા હતા.
વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ : ભાજપના વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે દેશી કપાસના તોલમાપ વેપારીઓ ખુલ્લેઆમ ખેડૂતોનું શોષણ કરી રહ્યા છે. દેશી કપાસ ટેકાના ભાવથી ખરીદવામાં આવતો નથી. આ ફરિયાદને લઈને હાર્દિક પટેલે રાજ્યના કૃષિપ્રધાન રાઘવજી પટેલને પત્ર લખ્યો છે. તેમજ ચીમકી પણ આપી છે કે આ પ્રશ્નનો ઉકેલ નહી આવે તો આંદોલન કરવામાં આવશે.
હાર્દિક પટેલની પ્રતિક્રિયા : હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી પર મારા વિસ્તારમાં ભાર આપવામાં આવે છે. દેશી કપાસ મુદ્દે વેપારી દ્વારા અન્યાય થાય છે. MSPમાં સમાવવામાં આવતા નથી. 2000 ખેડૂતોએ થોડા દિવસ અગાઉ રજૂઆત કરી હતી. મેં પત્ર પણ લખ્યો અને આજે રૂબરૂ મુલાકાત કરી વિસ્તૃત ચર્ચા કરી છે. રાજ્ય સરકાર આ બાબતે વિશેષ ધ્યાન આપે અને કપાસ કાલાને MSPમાં લેવામાં આવે એ જરૂરી છે. ખેડૂતો અને વેપારીને બંનેને લાભ થવો જોઈએ. કાલા સાઈડમાં કરી ધરીનો ભાવ નક્કી કરવામાં આવે એનાથી મોટું નુકસાન થાય છે. જે તે જીનિંગ સાથે ચર્ચા કરવામાં આવે તો ખેડૂત અને વેપારી બંનેને ફાયદો થાય તેમ છે.
આ પણ વાંચો : Gujarat Assembly New Rule : 15મી વિધાનસભાનાં નિયમોમાં થયા ફેરફારો, મતવિસ્તારમાં જવા ધારાસભ્યોને મળશે માત્ર એક જ દિવસ
દેશનો ઈતિહાસ શું કહે છે? : અગ્રણી રાજકીય વિશ્લેષક જયવંત પંડ્યાએ ETV Bharat સાથેની વાત કરતાં જણાવ્યું હતું કે, જ્યારે કોઈપણ એક પક્ષને સંપૂર્ણ બહુમતી મળે ત્યારે પત્રકારો અને રાજકીય વિશ્લેષકો ચિંતા કરતાં હોય છે. શાસક પક્ષ સામે વિપક્ષ તો હોવો જોઈએ. દેશનો ઈતિહાસ કહે છે કે કોંગ્રેસની સંસદમાં સ્પષ્ટ બહુમતી હતી, ત્યારે કોંગ્રેસના જ સાંસદોએ વિપક્ષની ભૂમિકા અદા કરી હતી. દેશના વડાપ્રધાન જવાહરલાલ નેહરુ હતા, ત્યારે તેમના જમાઈ ફિરોઝ ગાંધીએ અનેક કૌભાંડો ઉજાગર કર્યા હતા. નહેરુ સરકારને તેમના પર પગલાં લેવાની ફરજ પડી હતી. રાજીવ ગાંધીને સંસદમાં 404 જેટલી તોતિંગ બહુમતી સાથેની બેઠક મળી હતી, ત્યારે બોફોર્સ સ્કેમ બહાર આવ્યું અને તે વખતે તેની વિરુદ્ધમાં તત્કાલિન સંરક્ષણપ્રધાન વી.પી. સિંહે રાજીનામું આપી દીધું હતું અને અલગ પક્ષ રચ્યો હતો. આ જ રીતે સુબ્રમણ્યમ સ્વામી નરેન્દ્ર મોદી સામે વારંવાર બાંયો ચડાવીને નિવેદન કરતાં રહે છે.
આ પણ વાંચો : Gujarat Cabinet Meeting: કેબિનેટ બેઠકમાં પરીક્ષા પે ચર્ચા, અંતિમ સમયે જોગવાઈઓમાં થઈ શકે છે સુધારો
શાસક પક્ષ વિપક્ષ બને તેમાં ખોટું નથી : જયવંત પંડ્યાએ વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતમાં ભાજપને વિક્રમજનક 156 બેઠક સાથેની બહુમતી મળી છે. ત્યારે વિરોધ કરવાવાળું કોઈ રહેતું નથી. પણ આપણા દેશમાં લોકશાહી જીવંત છે. ભાજપના ત્રણ ધારાસભ્યોએ હમણાં અવાજ ઉઠાવ્યો છે અને પ્રજાના પ્રશ્નો મુદ્દે સરકારને પત્ર લખીને ધ્યાન પર મુક્યું છે. તે મારી દ્રષ્ટિએ સારી નિશાની છે. અત્યાર સુધી એવી છાપ હતી ભાજપમાં સરકાર સામે બોલી શકતું નથી. પણ હવે ભાજપના ધારાસભ્યો પ્રજાના પ્રશ્નો સરકાર સુધી લઈ જાય તેમાં ખોટું શું છે? પ્રશ્નો ઉઠાવીને નિવડો લાવવો જોઈએ એ તંદુરસ્ત લોકશાહીની નિશાની છે.