આ ક્ષેત્રમાં 50 વર્ષથી રહેલ ગુજરાત એગ્રો આ સાથે પ્રથમવાર કેમિકલ ફર્ટિલાઈઝર રજૂ કરી રહી છે અને આનાથી પીએમ મોદીના બમણી આવકના આદર્શને વાસ્તવિક બનાવવામાં મદદ મળશે તેમ ઈ ટીવી ભારત ગુજરાત સાથેની વાતચીતમાં જણાવાયું હતું.
ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના ચેરમેન મધુ શ્રીવાસ્તવે કોર્પોરેશનના મેનેજીંગ ડિરેક્ટર કે. એસ. રંધાવા અને સિનિયર અધિકારીઓ શ્રી અભય જૈન અને શ્રીમતિ હેતલ દેસાઈ તથા રાજ્યના ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના વિતરકોની હાજરીમાં વૉટર સોલ્યુબલ ફર્ટિલાઈઝર્સ રજૂ કર્યા હતા.

તે ઉપરાંત શ્રોતાઓને સંબોધન કરતાં મધુ શ્રીવાસ્તવે ચોકસાઈપૂર્ણ ખેતી અને ઉચ્ચસ્તરના એગ્રી ઈનપુટસ વડે પેદાશના ઉત્પાદનમાં વધારો કરવા અને ગુણવત્તા સુધારીને બહેતર વળતર મેળવવા ઉપર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે ડ્રીપ ઈરિગેશન પદ્ધતિમાં ગુજરાત અગ્રણી રાજ્ય બન્યું છે. વોટર સોલ્યુબલ ફર્ટિલાઈઝર એ ચોકસાઈપૂર્ણ ખેતીનું હવે પછીનું કદમ બની રહેશે અને વૈશ્વિક સ્તર ફળ અને શાકભાજીનું ઉત્પાદન કરી શકાશે.

ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના મેનેજીંગ ડિરેક્ટ રંધાવાએ જણાવ્યું કે આ ક્ષેત્રે ઘણી કંપનીઓ છે,પરંતુ યોગ્ય ગુણવત્તા, યોગ્ય કિંમત, યોગ્ય સ્થાન અને યોગ્ય સમય મહત્વનો બની રહે છે. ટૂંક સમયમાં અમે ચોક્કસ તબક્કે વપરાતા અને ચોક્કસ પાક માટેના ફર્ટિલાઈઝર પણ રજૂ કરીશું.
ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન છેલ્લાં 50 વર્ષથી ખેડૂતોને સેવા પૂરી પાડી રહ્યું છે અને આ બ્રાન્ડ હેઠળ પ્રથમ વખત કેમિકલ ફર્ટિલાઈઝર્સ રજૂ કરવામાં આવ્યા છે.