વર્ષ 2017માં ગુજરાત હિત રક્ષક સમિતિ દ્વારા હાઇકોર્ટમાં જાહેર હિતની કરવામાં આવી હતી. જેમાં ભાવનગરમાં 300 જેટલા ઉદ્યોગોને પાણી આપવામા આવે છે, પરતું 16 ગામોમાં લોકો પાણીના ટીંપા માટે તરસી રહ્યા છે. ભાવનગરના 16 ગામોને નર્મદા નીગમમાંથી જે પાણી મળવુ જોઈએ તેની બધી જ વ્યવસ્થાઓ પણ ઉભી થઈ ગયેલી છે. તેમ છતાં કેટલાય વર્ષોથી આ ગામોને પાણીનું ટીપુંય મળતું નથી.
નર્મદા નિગમે આ 16 ગામોની કેનાલમાં 3 આડી દિવાલો ઉભી કરી પાણીનો પ્રવાહ રોક્યો છે. પરિણામે 16 ગામો પાણીથી વંચીત રહી ગયા છે. ખેડુત સમીતિની રજુઆત સામે સરકારે કોર્ટમાં જવાબ રજૂ કર્યો કે, અમે ગામોમાં પાણી ઉપલબ્ધ કરાવ્યું છે. જ્યારે અરજદારવતી કોર્ટમાં રજુઆત કરાઈ કે, અમને સરકારે કોઈ પાણી નથી આપ્યું. અમારે ડીઝલ પંપો મુકીને પાણીની ચોરી કરવી પડી છે. હાઇકોર્ટે ખેડૂતોના આ વલણ મુદ્દે અરજદારના વકીલને સવાલ પણ કર્યા કે, ખેડૂતોને કેમ આંદોલન અને પાણી ચોરી કરવાની જરૂર પડી. ત્યારે વકીલે દલીલો કરી કે, ખેડૂતોને પાણી ન મળવાને કારણે આખરે ખેડૂતોએ મજબૂરીથી પાણી ચોરી કરવું પડી રહ્યું છે.
આ મામલે અરજદારના વકીલ જીતેન્દ્ર પંડ્યાએ રજુઆત કરી હતી કે, 300 જેટલા ઉદ્યોગોને પાણી આપવામાં આવે છે, પરંતુ ખેડૂતોને પીયત માટે પાણી આપવામાં આવતું નથી. પહેલા પીવાનું પાણી પછી પીયત અને ત્યારબાદ ઉધોગોને પાણી આપવુ જોઈએ તેવી રજુઆત કરાઈ હતી. સરકારે ત્યારે જણાવ્યું હતું કે, અમે ઉદ્યોગોને માત્ર 5 ટકા જ પાણી આપીએ છીએ. હાઈકોર્ટે 16 ગામોને પાણી નથી અપાતુ તે બાબતને ગંભીર ગણાવી અને સરકારને વિગતવાર એફીડેવિટ કરી જવાબ રજુ કરવા આદેશ કર્યો છે. આ કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.