અમદવાદ: સોલા પોલીસ સ્ટેશનમાં પતિ, પત્ની ઔર વોનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક મહિલાએ તેના પતિ, સાસુ-સસરા અને જેઠાણી સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાએ આક્ષેપ કર્યો છે કે તેનો પતિ અકુદરતી સંબંધ બાંધી તેને વાયરથી માર મારતો હતો.આટલું જ નહિ પ્રેમિકા સાથે લગ્ન કરી બંનેને સાથે રહેવા દબાણ કરતો હતો. પતિએ પ્રોપર્ટી ખરીદવાના બહાને પ્રોપર્ટીના કાગળોની આડમાં છુટાછેડાના કાગળો પર સહી કરાવી બે કરોડનું દહેજની વારંવાર માંગણી કરી પરેશાન કરતો હતો.આ મામલે હવે સોલા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પૈસા મળતા વર્તન બદલાયુંઃ ગોતામાં રહેતી 39 વર્ષીય મહિલાના વર્ષ 2005માં લગ્ન થયા હતા. વર્ષ 2012-2013માં કન્સ્ટ્રક્શનના બિઝનેસમાં વધુ નફો મળતા તેના પતિએ તે વેપાર શરૂ કર્યો હતો.કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં વધુ રૂપિયા કમાતા પતિનું વર્તન બદલાયુ અને તેણે પત્ની સાથેના વ્યવહારમાં બદલાવ લાવી અન્ય યુવતીઓ સાથે વાતો કરી મોજશોખ કરવા લાગ્યો હતો. જે બાબતે પત્નીએ વાત કરતા પતિએ તેને "તું તારા પિયર જતી રહે હવે તારી જરૂર નથી" તેમ કહી ફટકારી હતી.
ફોસલાવીને સહી કરાવી લીધીઃ મહિલાના પતિને તેની ઓફિસમાં કામ કરતી યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાતા તે એકવાર પ્રેમિકા સાથે ફરવા નીકળી ગયો હતો. જ્યાં પકવાન ચાર રસ્તા પાસે અકસ્માત થતાં તેની સામે હીટ એન્ડ રનની ફરિયાદ નોંધાઈ હોવાનું પત્નીને જાણવા મળ્યું હતું. ત્યારબાદ બદલાયેલા પતિએ ઘરે પણ મોડા આવવાનું શરૂ કર્યુ અને પત્ની તે બાબતે વાત કરે તો પતિ તેને હું ક્યાં જવું છું, શું કરૂ છુ તેવી પંચાતમાં નહિ પડવાનું ખાલી બાળકોનું ધ્યાન રાખવાનું કહીને તેનું અપમાન કરતો હતો. એક દિવસ મહિલાને તેનો પતિ ફરવા જવાનું કહી નિરમા યુનિવર્સિટી પાસે લઇ ગયો હતો. ત્યાં ગાડી ઉભી રાખી ધંધાકીય બાબતે સહીની જરૂર હોવાનું કહી સહી કરાવી લીધી હતી. બાદમાં એક કાગળ વાંચવા આપતા મહિલાએ તે કાગળ વાંચવાની મનાઇ કરતા ગળા પર ચપ્પુ રાખી બાળકો અને તેનું મર્ડર કરવાની ધમકી આપતા મહિલાએ કાગળનું લખાણ વાંચતા પતિએ રેકોર્ડિંગ કરી લીધુ હતુ. બાદમાં દિવાળી પર પતિએ ખોટો પ્રેમ દર્શાવી ગિફ્ટ આપી બે કરોડ લાવવા ધમકી આપી પત્નીને બ્લેકમેલ કરી હતી.
આ મામલે મહિલાની ફરિયાદના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.આ મામલે પુરાવાઓ એકત્ર કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે. જીગ્નેશ અગ્રવાત (પીઆઈ, સોલા પોલીસ સ્ટેશન)
દવાને બદલે આપી સ્લિપિંગ પિલ્સઃ પતિએ માર મારતા મહિલાને ઇજાઓ થતાં તેને ડોક્ટર પાસે લઇ ગયો હતો. જે ડોક્ટરે દવા આપવા છતાંય તેને સારૂ ન થતાં મહિલા પિયર ગઇ હતી.ત્યાં અન્ય ડોક્ટરને બતાવતા તેના પતિએ માત્ર ઉંઘની દવાઓ ખવડાવી હોવાનું જણાવ્યુ હતુ. જેથી મહિલાએ ઉંઘની દવા આપવા બાબતે વાત કરતા તેના પતિએ બદાને રેકોર્ડીંગ મોકલવાની ધમકી આપી બંને વચ્ચે છુટાછેડા થયા હોવાનું કહેતા મહિલા નવાઇ પામી હતી. ક્યારે છુટાછેડા થયા તે બાબતે પૂછતા પતિએ કબૂલાત કરી કે તેણે પ્રોપર્ટીના કાગળોની આડમાં છુટાછેડાના કાગળો પર તેની સહી કરાવી હતી.
કંટાળીને કરી પોલીસ ફરિયાદઃ જેથી મહિલાને મનમાં લાગી આવતા તે કેનાલમાં આપઘાત કરવા નીકળી હતી જો કે તેને પરિવારજનોએ બચાવી લીધી હતી. આ પ્રકારના વારંવાર માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળી આખરે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવતા સોલા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.