ગાંધીનગર : રાહત કમિશનર આલોકકુમાર પાંડેના અધ્યક્ષસ્થાને મંગળવારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તમામ વિભાગોની તૈયારી અંગે સમીક્ષા કરી હતી. બાદમાં રાહત કમિશનર દ્વારા તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા.
હવામાન વિભાગે કરી આગાહી : આ બેઠકમાં IMDના અધિકારી દ્વારા વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું કે, ચાલુ સપ્તાહ દરમિયાન સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસવાની સંભાવના છે. તારીખ 7 જુલાઈથી 9 જુલાઇ દરમિયાન અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ ૫ડવાની સંભાવના છે.
23 જળાશય હાઈ એલર્ટ : સિંચાઇ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં 206 જળાશયો પૈકી 23 જળાશય હાઈ એલર્ટ, 15 એલર્ટ અને 10 વૉર્નિંગ પર છે. આ બેઠકમાં સરદાર સરોવર નર્મદા નિગમ લિ.ના અધિકારી દ્વારા સરદાર સરોવર ડેમની ૫રિસ્થિતિની માહિતી આ૫વામાં આવી હતી.
NDRF એલર્ટ મોડ પર : એન.ડી.આર.એફ તેમજ એસ.ડી.આર.એફ.ના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા ડિપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરી લેવામાં આવ્યો છે તેમજ તમામ ટીમો એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી સામે આવી રહી છે.
તમામ વિભાગના અધિકારી હાજર : આ બેઠકમાં GSDMA, CWC, કૃષિ, આરોગ્ય, ફોરેસ્ટ, બાયસેગ, જી.એમ.બી.,પંચાયત, કોસ્ટ ગાર્ડ, ઈસરો, ઉર્જા, ફીશરીઝ, માર્ગ અને મકાન, GSRTC, એરફોર્સ, ફાયર, યુ.ડી.ડી., પશુપાલન, ICDS અને માહિતી વિભાગના નોડલ અઘિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, વરસાદનો પ્રથમ રાઉન્ડ સમગ્ર ગુજરાતમાં સારો રહ્યો હતો. પરંતુ અમુક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે હાલ બીજા તબક્કાના વરસાદને લઈને તંત્ર પહેલેથી એલર્ટ થઈ ગયું છે.