અમદાવાદ : મણીનગર વિસ્તારમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકે દિલ્હી, હરિદ્વાર, ઋષિકેશ ટુરમાં મોકલવાના નામે છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે. પૈસા લીધા બાદ ટ્રાવેલ્સના સંચાલકે ટુર ન યોજીને ફોન બંધ કરીને ફરાર થઈ ગયો હતો. આ અંગે ટુર ઓપરેટર સામે છેતરપિંડીની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ખાનગી ટ્રાવેલ્સ કંપની : અમદાવાદમાં ખોખરા વિસ્તારમાં રહેતા મહર્ષિભાઈ શાહે આ મામલે ફરિયાદ નોંધાવી છે. તેઓની ફરિયાદ મુજબ તેઓ પકવાન ચાર રસ્તા પાસે સફળ પ્રાઇવેટ લિમિટેડમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. સાડા ત્રણેક મહિના અગાઉ ફરિયાદીના મિત્ર વર્તુળને હરિદ્વાર, ઋષિકેશ દર્શન માટે જવાનું નક્કી કર્યુ હતું. તેઓએ તપાસ કરતા મણીનગરમાં આવેલ એચ.એસ હોલિડેઝ નામની ટૂર એજન્સી વિશે જાણ થઈ હતી.
એડવાન્સ ચાર લાખ લીધા : ફરિયાદી ટુર્સ કંપનીના માલિક હેમાંગ પંચાલને મળવા માટે ગયા હતા. તેમની સાથે કુલ 38 લોકોને ફરવા જવાની વાત કરી હતી. જેથી હેમાંગ પંચાલે પુખ્ત વ્યક્તિ દીઠ રૂ. 12,111 તેમજ સાઈડ સીનના 1200 એમ કુલ રૂ.13,311 નક્કી કર્યા હતા. ઉપરાંત બાળકોમાં એક બાળક દીઠ 9670 રૂપિયા નક્કી કર્યા હતા. ફરિયાદીએ 38 લોકોનું બુકીંગ કરાવી કુલ 4.01 લાખ રૂપિયા હેમાંગ પંચાલને આપ્યા હતા. બાકીના 40 હજાર ટુર નીકળે તે પહેલા આપી દેવાનું નક્કી કર્યું હતું.
આ અંગે ફરિયાદ દાખલ કરી આરોપીની ધરપકડ કરવા માટે ટીમ કામે લગાડી છે. આરોપીએ આ રીતે અન્ય કોઈ લોકો પાસેથી પૈસા પડાવ્યા છે કે કેમ તે અંગે પણ તપાસ ચાલી રહી છે.-- ડી.પી ઉનડકટ (PI, મણીનગર પોલીસ સ્ટેશન)
પોલીસ તપાસ : જોકે, હેમાંગ પંચાલે પૈસા લીધા બાદ પણ બુકિંગની કોપી ફરિયાદીને આપી ન હતી. જે બાદ અવારનવાર તેઓ હેમાંગ પંચાલની ઓફિસે જતા હતા. 26 મે પછી હેમાંગ પંચાલે પોતાનો ફોન બંધ કરી નાખ્યો હતો. ત્યારબાદ હેમાંગે 30 જૂન સુધી પૈસા પરત આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ પૈસા ન આપી ઠગાઈ આચરતા અંતે આ સમગ્ર મામલે મણીનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.