- રાજ્યમાં કોરોના વાઇરસનો કહેર યથાવત
- પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ CM રૂપાણીને લખ્યો પત્ર
- કોરોનાને લઇને પત્રમાં આપ્યા કેટલાક સૂચનો
અમદાવાદઃ રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ પત્રમાં લખ્યું છે કે, કોરોના મહામારીના કારણે દેશ અને ગુજરાતમાં જે ગંભીર પરિસ્થિતીનું નિર્માણ થયું છે એ આપણે સૌ જાણીએ છીએ. લોકો ઓક્સિજન, વેન્ટિલેટર, બેડ અને ઈન્જેક્શન માટે સતત વલખા મારી રહ્યા છે. ધંધા-રોજગાર પર પડેલી અસરને કારણે લોકો માનસિક તણાવમાં જીવી રહ્યાં છે. ટેસ્ટિંગ, ટ્રેસીંગ અને ટ્રીટમેન્ટથી કોરોના મહામારીને ડામવાનો પ્રાથમિક ચરણનો અમલ ટેસ્ટિંગ કીટ અને લેબોરેટરીની અછતના કારણે અશક્ય બન્યો છે. આ કારણે વધુને વધુ લોકો નિદાન અને સારવારમાં વિલંબથી ગંભીર અવસ્થાએ પંહોચી રહ્યા છે.
108 એમ્બ્યુલન્સ 24 કલાક પહેલા મળવી અસંભવ
108 એમ્બ્યુલન્સ 24 કલાક પહેલા મળવી અસંભવ છે. એમ્બ્યુલન્સ મળે તો હોસ્પિટલમાં બેડ માટે રાહ જોવી પડે છે, બેડ પણ મળી જાય તો ઓક્સિજન કે રેમડેસીવીર ઇન્જેક્શન મેળવવા વલખા મારવા પડે છે. આ બધી મથામણ બાદ પણ જો જીવ બચે તો સદ્ભાગ્ય નહીંતર સ્મશાન-કબ્રસ્તાન સુધી જવા શબવાહિની અને અગ્નિદાહ આપવાની લાઈનમાં ઉભુ રહેવાની નોબત આવે છે.
આવી સ્થિતિમાં આપણે સૌ એ પક્ષ-વિપક્ષનો ભેદ ભૂલી સાથે મળીને લોકોને મદદ કરવાનો પ્રયાસ કરવો જોઈએ ઃ શંકરસિંહ વાઘેલા
આવી સ્થિતિમાં આપણે સૌ એ પક્ષ-વિપક્ષનો ભેદ ભૂલી સાથે મળીને લોકોને મદદ કરવાનો પ્રયાસ કરવો જોઈએ અને તે માટે આપને આ પત્રનાં માધ્યમથી અપીલ કરવા માગુ છુ કે, આપ રાજ્યપાલની અધ્યક્ષતામાં પૂર્વ મુખ્યપ્રધાનો, પૂર્વ મુખ્યસચિવો, પૂર્વ આરોગ્યપ્રધાન અને ડોક્ટરી ફિલ્ડ ક્ષેત્રે દેશ-વિદેશના એક્સપર્ટ અને બ્યુરોક્રેટ્સ સાથે સર્વપક્ષીય બેઠક બોલાવી જોઈએ. જ્યાં વિગતવાર પરિસ્થિતી પર ચર્ચા કરીને જનભાગીદારી થકી મુશેકેલીઓનો સામનો કરવા રોડમેપ ઘડવો જોઈએ. આ સમગ્ર વાત તેમણે પત્રમાં લખી હતી.
આ પણ વાંચોઃ પાટણમાં વકરેલી કોરોના મહામારી લઈને કોંગ્રેસના ધારાસભ્યએ વડાપ્રધાનને લખ્યો પત્ર
કોરોના મહામારી યુદ્ધ જેવી પરિસ્થિતી છે
શંકરસિંહ વાઘેલાએ પત્રમાં લખ્યું હતુ કે, અનુભવનો કોઈ પર્યાય નથી માટે સૌ સાથે મળીને રસ્તો ગોતીશું તો ચોક્કસ પણે વ્યવસ્થા સુધારી શકીશું. કોરોના મહામારી યુદ્ધ જેવી પરિસ્થિતી છે અને તેમાં તંત્રને તન, મન અને ધનથી પૂરતી તમામ મદદ કરવા માટે તેઓ તૈયાર છે, અનેક લોકોની જેમ હાલમાં જ તેમણે પણ તેમના પરિવારના સભ્યોને કોરોનામાં ગુમાવ્યા છે ત્યારે લોકોનું દુઃખ અને સમસ્યા તેઓ સમજી શકે છે, એટલે જ આ પત્રની મારફતે કેટલાક સૂચનો પણ તેમણે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સમક્ષ રજૂ કર્યા હતા.
પૂર્વ મુખ્યપ્રધાને આપ્યા કેટલાક સૂચનો
- દરેક હોસ્પિટલમાં એક ડેશબોર્ડ લગાવવો જોઈએ જેમાં બેડ, ઓકસીજન, વેન્ટિલેટર અને જરૂરી ઇન્જેક્શન અને દવાઓનાં સ્ટોકનો રિયલ ટાઈમ ડેટા હોઈ અને તેને સીએમ ડેશબોર્ડ સાથે કનેક્ટ કરવું જોઈએ જેથી લોકોને પણ સાચી જાણકારી મળે.
- આજની વિકટ પરિસ્થિતિમાં બેડ, ઓકસીજન, વેન્ટિલેટર કે ઇન્જેક્શન જેવી વસ્તુઓ માટે લોકો સતત તેમના જનપ્રતિનિધિઓને સંપર્ક કરી રહ્યા છે પરંતુ જનપ્રતિનિધિઓ (કોર્પોરેટરથી માંડીને સાંસદો સુધી)ની પણ મર્યાદા હોતા તેઓ પોતાની ફરજ નિભાવી નથી શકતા. સરકાર તમામ જનપ્રતિનિધિઓને તેમના વિસ્તારની વિશેષ જવાબદારી સોંપી જે તે વ્યવસ્થા વિભાગ સાથે સંકલનમાં જોડે. જેથી તેમના અનુભવનો લાભ પણ મળે અને લોકોને ઉપયોગી પણ બને.
- ગ્રામ્ય સ્તરે ખાલી રહેલા આરોગ્ય કેન્દ્રો અને ખાનગી નાના-મોટા દવાખાનાઓ અને તેના ડોક્ટરોને પણ જરૂરી વળતર આપીને તેનો ઉપયોગ હોસ્પિટલોનું ભારણ ઓછું કરવા કરી શકાય.
- જો સરકાર ડેથ સર્ટિફિકેટને સીધું મૃતકના પરિવારનાં એડ્રેસ પર પહોંચાડવાની વ્યવસ્થા કરે તો ડેથ સર્ટિફિકેટ માટે પણ જે લાઈનો લાગી રહી છે તેને પણ ટાળી શકાય તેમ છે.
- આજે જ્યારે લોકોમાં જાગૃતિ લાવવા અને મદદ પહોંચાડવા સોશિયલ મીડિયા ઇન્ફ્લુન્સર ઉપયોગી સાબિત થઇ રહ્યા છે ત્યારે તેમને પણ સરકારી વિભાગ સાથે સંકલનમાં સીધા જોડીને જાગૃતિ ફેલાવવાનું અને મદદ પહોંચાડવાનું કામ વધુ અસરકારક બનાવી શકાય.
- વિશેષ ટીવી પ્રોગ્રામ મારફતે મનોચિકિત્સકની મદદથી કોરનાને કારણે સ્વાસ્થ્ય અને ધંધા-રોજગારને પડેલી અસરને સબંધિત ચિંતાઓમાં ઘેરાયેલા લોકોને મદદ કરી શકાય. લોકોને માહિતગાર કરવામાં અને ભય દૂર કરવાની દિશામાં અસરકારક પગલા લઈ શકાય.
- સિંગાપોર, UAE, જર્મની, અમેરિકા અને ચીન જેવા દેશોમાંથી પૂરતા પ્રમાણે ઓક્સિજન, વેન્ટિલેટર સહિતના જરૂરી તમામ ઉપકરણો અને દવાઓ મંગાવવા જોઈએ. જો મોટા પ્રમાણે આ વ્યવસ્થા ઉભી કરવામાં મુશ્કેલીઓ આવી રહી હોઈ તો ગુજરાત અને દેશના મોટા ઉદ્યોગોનો મેનેજમેન્ટ માટે કે આર્થિક સહાય માટે મદદ લેવી જોઈએ.
આ પણ વાંચોઃ ગીર સોમનાથમાં ઓક્સિજન અને ઇન્જેક્શનની અછત સર્જાતા કોંગી ધારાસભ્યનો સરકારને પત્ર
ગુજરાતે અનેક કુદરતી આપદાઓનો સામનો કર્યો છે અને તેને પાર પણ કર્યો છેઃ શંકરસિંહ વાઘેલા
શંકરસિંહ વાઘેલાએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને લખેલા પત્રમાં આવા કેટલાક સૂચનો લખ્યા હતા. સર્વપક્ષીય બેઠકમાં વિગતવાર સૌ પોતાના સૂચનો અને ફિડબેક આપી શકે અને તેના પરથી યોગ્ય દિશામાં તંત્રને આગળ વધવામાં સહેલાઈ રહે. ગુજરાતે અનેક કુદરતી આપદાઓનો સામનો કર્યો છે અને તેને પાર પણ કર્યો છે ત્યારે આજે જરૂર છે એક હૂંફની, સુવ્યવસ્થિત વ્યવસ્થાની જે માટે સૌ એક થઈને કામ કરીશું તો નિશ્ચિતપણે આ મહમારીમાંથી પણ પાર થઈશું. રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ રૂપાણી સરકારને લખેલા પત્રમાં આ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.