હવામાન ખાતાના આંકડાઓની વાત કરીએ તો કચ્છનું નલિયા નહીં પણ ભૂજ સૌથી વધુ ઠંડુગાર રહ્યું હતું, ભૂજમાં લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી નોંધાયું હતું. તીવ્રતમ ઠંડીની અસરમાં જનજીવન પર પણ અસર પડી હતી.
જાન્યુઆરીની શરુઆતમાં જ રાજ્યના પાંચ મોટા શહેરોમાં તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે ગગડી ગયો છે. જેમાં ભૂજ ઉપરાંત નલિયા, અમરેલી, રાજકોટ, કંડલા એરપોર્ટનો સમાવેશ થાય છે. અમદાવાદમાં 12.8 ડિગ્રી, ગાંધીનગરમાં 12.2 ડિગ્રી,વડોદરામાં 13.3 ડિગ્રી, સૂરતમાં 14.4 ડિગ્રી તાપમાન રહ્યું છે. ઉત્તરભારતમાં હિમપ્રપાતને જોતાં 4 જાન્યુઆરી સુધીમાં ઠંડી વધુ આકરી બનશે તેવી હવામાન વિભાગની આગાહી છે.
ઠંડીની સૌથી વધુ અસર વહેલી સવારે કોલ્ડવેવની જેમ અનુભવાઈ રહી છે. તો દિવસભર સૂસવાટાભર્યાં ઠંડા પવનોને લઈને ઠંડીની તીવ્રતા અનુભવાઈ હતી. તેમ જ માર્ગો ઉપર ધુમ્મસ ભર્યા વાતાવરણને લઇને વાહનચાલકોએ સાવચેતીથી વાહન હંકારવાની ફરજ પડી રહી હતી. તો વહેલી સવારમાં ફિટનેસ અંગે સભાન નાગરિકો ગાર્ડનમાં વોક લેતાં કસરતો કરતાં, ગરમાગરમ સૂપ પીને ઠંડીની મઝા પણ માણી રહ્યાં છે.