● કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત ત્રણ ગામના ખેડૂતોને આજથી દિવસે વીજળી મળશે
● કિસાન સૂર્યોદય યોજનાનું લોકાર્પણ મુજપુરા સાંસદે કર્યું
● ખેડૂતોને દિવસે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી વીજળી મળશે
અમદાવાદ: ખેડૂતોને દિવસ દરમિયાન પણ વિજળી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી કિસાન સૂર્યોદય યોજનાનું અમદાવાદ ગ્રામ્યનાં માંડલ તાલુકામાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ યોજના અંતર્ગત હાલમાં ત્રણ ગામનાં ખેડૂતોને દિવસ દરમિયાન વિજળી મળશે.
યોજના અંતર્ગત ખેડૂતોને દિવસે 9થી 5 વાગ્યા સુધી વીજળી
માંડલ મેઘાણી સ્કૂલ ખાતે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત યોજનાનું લોકાર્પણ સાંસદ મુજપુરાના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. લોકાર્પણ અંતર્ગત મહાનુભાવોનાં વરદ હસ્તે દીપ પ્રાગટ્ય બાદ પ્રાર્થના અને ત્યારબાદ મહાનુભાવોનાં સ્વાગત કરાયા હતા. આ યોજનાથી ખેડૂતોને જે રાત્રે ખેતરમાં જઈ કામ કરવું પડતું અને ઠંડી માં પાણી વાળવુ અને રાત્રી દરમિયાન વન્ય પ્રાણીઓ સહિત સાપ, વીંછી જેવા જીવજંતુઓથી હેરાન થવું પડતું હતુ, તેનાથી છૂટકારો મળશે. ગુજરાતની સરકારે આ યોજના અંતર્ગત ખેડૂતોને દિવસે 9થી 5 વાગ્યા સુધી વીજળી આપવાનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત માંડલ તાલુકાનાં 36 ગામો પૈકી હાલમાં ત્રણ ગામ સોલગામ, માનપુરા અને ઓકડીને દિવસ દરમ્યાન વિજળી મળવાનું શરૂ થશે. આ પ્રસંગે સાંસદ મુજપુરા, મનુભાઈ પાવરા, દશરથભાઈ પટેલ, મહેશભાઈ ચાવડા, પસાભાઈ જાદવ, ભરતસંગ નારસંગજી ઠાકોર, જયંતીજી કે ઠાકોર, મનુભાઈ ડોડીયા સહિત આજુબાજુના વિસ્તારોમાંથી ખેડૂત ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.