મૃતદેહ એક્સચેન્જ થવાને મામલે બંને પરિવારજનો ગુસ્સામાં છે અને જવાબદાર લોકો સામે પગલાં લેવાની માંગ કરી રહ્યા છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, શુક્રવારે રાત્રે 11 વાગ્યે એલિસબ્રિજ પોલીસ સ્ટેશન પહોંચી ફરીયાદ દાખલ કરવા આજીજી કરી હતી, પરંતુ પોલીસ સાંભળતી નથી. ત્યારબાદ Dy.sp આવ્યા અને તેમની સાથે વાતચીત કરી તેઓ તપાસ માટે વી.એસ.હોસ્પિટલ ગયા હતા, પરંતુ ત્યારબાદ તેમને ફોન કરી મળવા પ્રયત્ન કર્યો પણ હજુ સુધી મળ્યા નથી. બીજી બાજુ પોલીસ આ મામલે ફરીયાદ પણ દાખલ કરતી નથી અને આ સમગ્ર મામલાને ઢાંકવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
મિતલના પરિવારજનોએ માંગ કરી છે કે, આ સમગ્ર ઘટનામાં જે કોઈ છે તે, તમામ હોસ્પિટલના અધિકારીઓ, સ્ટાફ તેમજ પોલીસ સામે પગલાં ભરવામાં આવે. આ મામલે અમારી પોલીસ ફરિયાદ લેવામાં આવે અને જો ફરિયાદ નહિ લેવામાં આવે તો અમે મૃતદેહ સ્વીકારીશું નહિ. વધુમાં નસરીનબાનુના ભાઈએ આક્ષેપ કર્યો હતો કે, મારી બહેન 9 મહિનાની ગર્ભવતી હતી અને હાલ તેનું ભ્રુણ પણ ગાયબ હોય તેવું લાગી રહ્યું છે. જેથી આ વાત પણ તપાસનો વિષય છે અને આ સમગ્ર વિગતો બહાર આવી જોઈએ અને યોગ્ય તાપસ કરી અમને યોગ્ય ન્યાય મળવો જોઈએ.