અમદાવાદઃ શહેર SOG ક્રાઇમ બ્રાંચે કિરીટ અમીન નામના મૂળ અરવલ્લીના અને ઘોડાસરમાં રહેતા 34 વર્ષીય શખ્સની ધરપકડ કરી છે. કિરીટ અમીને ગવર્નમેન્ટ ઓફ ગુજરાત રેવન્યુ ડિપાર્ટમેન્ટ નાયબ મામલતદારનું ખોટું આઈકાર્ડ બનાવી તેનો દુરુઉપયોગ કર્યો હતો. આ નકલી નાયબ મામલતદાર કિરીટ અમીને વલસાડના ધરમપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સસ્તું સોનું આપવાની લાલચ આપી 12 લાખની છેતરપિંડી કરી હતી.
39 લાખની છેતરપીંડીમાં વોન્ટેડઃ કિરીટ અમીને અમદાવાદ જીલ્લાના કેરાળા GIDCમાં 39 લાખની છેતરપિંડીની આચરી હતી. આ કેસમાં પણ તે વોન્ટેડ છે. SOG ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે વોન્ટેડ કિરીટ અમીન ઓઢવ પાસે હાજર છે. આ બાતમીના આધારે SOGએ તેની ધરપકડ કરી લીધી.
2016માં બનાવ્યું નકલી આઈકાર્ડઃ મોડાસા નાયબ મામલતદાર કચેરીમાં કોન્ટ્રાકટ બેઝ પર ક્લાર્ક તરીકે કામ કરતો હતો. વર્ષ 2016માં આ ઠગે ગુજરાત રેવન્યૂ ડિપાર્ટમેન્ટ નાયબ મામલતદારનું આઈકાર્ડ બનાવ્યું હતું. આરોપી ગુજરાતના ટોલટેક્ષ સહિતની જગ્યાઓ પર તેનો ઉપયોગ કરતો અને લોકોમાં પોતાનો રોફ જમાવતો હતો.
આરોપી રોફ જમાવવા માટે નકલી નાયબ મામલતદાર બનીને ફરતો હતો. તે અગાઉ મોડાસા નાયબ મામલતદાર કચેરીમાં ક્લાર્ક તરીકે કામ કરતો હતો. તે સમયે આઈ કાર્ડ બનાવ્યું હતું. તેનો ઉપયોગ અલગ અલગ જગ્યા ઉપર કરતો હતો. તે બે પોલીસ સ્ટેશનમાં ઠગાઈના ગુનામાં પણ વોન્ટેડ હોવાથી તેની ધરપકડ કરી છે...જયરાજસિંહ વાળા(ડીસીપી, SOG ક્રાઇમ બ્રાંચ, અમદાવાદ)
ગુનાહિત ભૂતકાળઃ SOG ની તપાસ માં સામે આવ્યું છે કે આરોપી કિરીટ અમીન પર વલસાડના ધરમપુર અને અમદાવાદ જિલ્લાના કેરાળા GIDC પોલીસ સ્ટેશનમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ ચુકી છે. જે બંને ફરિયાદમાં આરોપી કિરીટ અમીન અને તેના સાગરીતો ગેંગ બનાવીને સસ્તું સોનુ આપવાનું કહીને નકલી પોલીસ બનીને ફરિયાદી સાથે છેતરપીંડી કરી હતી. ત્યારે આ આરોપી કિરીટ અમીન આ સિવાયના અન્ય કોઈ ગુનામાં સામેલ છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે.