અમદાવાદ:રાજ્યમાં કોરોના વાઈસના પોઝિટિવ કેસ વધી રહ્યા છે. ત્યારે જેલમાં કેદીઓને પણ ચેપ લાગશે તેવા ભયને પગલે સેન્ટ્રલ જેલ સહિત અન્ય જેલમાં બંધ કેદીઓને વચગાળાના જામીન કે પેરોલ પર મુક્ત કરવા ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી થઈ હતી. આ મુદ્દે શુક્રવારે હાઇકોર્ટે મહત્વનું અવલોકન કરતા જણાવ્યું કે, કોઈ નવા કેદીની ધરપકડ કર્યા બાદ તેને જેલમાં લાવવામાં આવે તે પહેલાં કોરોના ટેસ્ટ કરવાનો રહેશે. આ માટે કોર્ટે ગૃહ મંત્રાલયને આદેશ કર્યો છે.
હાઇકોર્ટમાં દાખલ કરેલી જાહેરહિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે, વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને આરોપીઓની ધરપકડ કરવામાં ન આવે અને તેમના આગોતરા જામીન મંજૂર કરવામાં આવે. જો કે હાઇકોર્ટે કહ્યું હતું કે, કોઈપણ ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવે ત્યારે તેને કોરોના છે કે નહીં કે તેની તપાસ કરવામાં આવે નહીંતર અન્ય કેદીઓને પણ ચેપ લાગવાની શક્યતા છે.
હાઈકોર્ટે ગૃહ મંત્રાલયને તમામ પોલીસ કમિશનરને આ અંગે પરિપત્ર જાહેર કરવાનો રાજ્ય સરકારને આદેશ કર્યો છે. આ મામલે વધુ સુનાવણી 3 એપ્રિલે હાથ ધરવામાં આવશે.
કોરોનાને ડામવા કરાયેલા લોકડાઉનને પગલે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ખાવાનું અનાજ ન મળતા કચરામાંથી અનાજ શોધીને ખાતા હોવાથી સિવિલ સોસાયટીને ભોજન બનાવવાની અને વિતરણ કરવાની પરવાનગીની માંગ સાથે દાખલ કરાયેલી જાહેરહિતની અરજી પર રાજ્ય સરકાર તરફે રજૂઆત કરવામાં આવી હતી કે, સરકારે પૂરતી સંખ્યામાં તેના કર્મચારીઓને કામે લગાડયા છે અને વર્તમાન સ્થિતિ સિવિલ સોસાયટી એની મદદની જરૂર નથી.
હાઈકોર્ટે કોરોના વાઈરસને લઈને દાખલ કરાયેલી છ જાહેરહિતની અરજીની એકસાથે સુનાવણી હાથ ધરી હતી અને મહત્વના નિર્દેશો કર્યા હતા. હાઈકોર્ટે આ તમામ જાહેરહિતની અરજી મુદ્દે રાજ્ય સરકાર પાસેથી એકશન ટેકન રિપોર્ટ માંગ્યો છે