- 28 ફેબ્રુઆરીએ ગુજરાતમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાનું મતદાન
- ભાજપને ઓછા મતદાનનો ભય
- સી.આર.પાટીલે નાગરિકોને મતદાન કરવા અપીલ કરી
અમદાવાદઃ 28 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અંતર્ગત ગુજરાતમાં નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ યોજાઈ રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આ ચૂંટણીઓમાં નાગરિકોને મતદાન કરવા વિનંતી કરી છે.
મહાનગરોમાં નીચું રહ્યું હતુ મતદાન
ઉલ્લેખનીય છે કે, અગાઉ 6 મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં સરેરાશ 40-42 ટકા જેટલું મતદાન થયું હતું. પરિણામે અન્ય પક્ષોની સાથે ભાજપને પણ પેટમાં ફાળ પડી હતી. ભાજપે છેલ્લા કલાકોમાં મતદારોને મતદાન કરવા માનવવા સિનિયર નેતાઓને મેદાનમાં ઉતારવા પડયા હતા. આ ચૂંટણીઓ ગુજરાતના ગ્રામીણ વિસ્તારની છે, જે કોંગ્રેસનો ગઢ છે, ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે લોકોને મતદાન અધિકારનો ઉપયોગ કરવા અને લોકશાહીનું જતન કરવાની સલાહ આપી છે.
કેટલી બેઠકો પર મતદાન
આ ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને નગરપાલિકાની 81 બેઠક આવેલી છે. ઉલ્લેખનીય છે કે, આ પંચાયતો અને નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 8,474 બેઠકો છે. જેમાં કેટલીક બેઠક ભાજપ બિનહરીફ જીતી ચૂક્યું છે.