અમદાવાદ: માસ્ક અને સેનેટાઇઝર પહેલા બહુ ઓછી જગ્યા જેવી કે, હોસ્પિટલ, હોટલ કે ફેકટરીઓમાં ઉપયોગમાં લેવામાં આવતા હતા અને તેનું ચલણ કોરોના આવતા વધવા માંડ્યું છે. વારંવાર હાથ ધોવા અને માસ્ક પહેરવા સરકારના સૂચન અને આદેશ બાદ સેનેટાઇઝરના વેંચાણ અને ઉત્પાદનમાં સખત વધારો જોવા મળી રહ્યો હતો. લોકડાઉનના સમયમાં મેડિકલ સ્ટોર અને સેનેટાઇઝર બનાવનાર અને વેચનાર બંનેને ખૂબ જ વેચાણ કરવા મળ્યું છે.
આ સાથે જ બજારમાં આ વસ્તુઓના ઉત્પાદકો અને વેચાણ કરવાવાળા વધવા માંડ્યા અને જેના કારણે સેનેટાઇઝરના ભાવમાં ખૂબ જ વધારો જોવામાં આવ્યો અને તે ત્યાં સુધી ભાવ વધ્યા કે, સરકારે તેના પર અંકુશ લાવવા માટે ભાવમાં નિયંત્રણ કરવું પડ્યું અને જે લોકો ઉત્પાદન કરવાનું લાઇસન્સ ધરાવે છે, તેવા જ ઉત્પાદકોને સેનેટાઇઝર બનાવવાની પરવાનગી મળી, ત્યારબાદ સેનેટાઇઝરના ઉત્પાદનો અને વેચાણ વધવાના કારણે બજારમાં સ્પર્ધા પણ વધવા માંડી, ત્યારબાદ સરકારના હસ્તક્ષેપથી થયેલા ભાવમાં પણ ઘટાડો કરવામાં આવ્યો અને હાલ આ રૂ 50થી લઇને 200 રૂ સુધીના 500 એમ.એલથી માંડીને 5 લીટર સુધીના સેનેટાઇઝર લિક્વિડ અને જેલ બજારમાં મળી રહે છે.
આ વિશે સેનેટાઇઝરના ઉત્પાદક તપન શાહ કે, જેઓ 1996થી તેમની ફેકટરીમાં આ પ્રકારની વસ્તુઓ બનાવે છે. તેમની સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, લોકડાઉનથી અત્યાર સુધી બજારમાં સેનેટાઇઝરની ખૂબ જ ડિમાન્ડ રહી છે. હાલમાં તેમની પોતાની બ્રાન્ડ કેઈશાના નામથી બજારમાં સેનેટાઇઝરની અલગ અલગ પ્રોડક્ટ વેચી રહ્યાં છે. આ સાથે જ તેમણે કહ્યું કે, બીજી ઘણી કંપનીઓ માટે તેઓ જરૂરિયાત મુજબના 70થી 90 ટકા સુધી આલ્કોહોલ વાળા સેનેટાઇઝર બનાવી રહ્યાં છે.
આ ઉપરાંત ગુજરાતના કેમિસ્ટ એસોસિએશનના ચેરમેન જસુભાઈ પટેલે ઈ ટીવી ભારતની ખાસ મુલાકાતમાં કહ્યું હતું કે, લોકડાઉનથી માંડીને અત્યાર સુધી દરેક મેડિકલ સ્ટોરમાં સેનેટાઇઝરની ક્યારેય કમી રહી નથી અને દરેક સ્ટોરમાં આસાનીથી લોકોને મળી રહે તેવી વ્યવસ્થા સારી રીતે કરવામાં આવી હતી. સરકારના આદેશ અને ભાવમાં થયેલા ફેરફારોને ધ્યાનમાં રાખીને મેડિકલ અને કેમિસ્ટ એસોસિએશન દ્વારા કામગીરી કરવામાં આવી હતી. લોકડાઉનથી માંડીને હજી સુધી ડિમાન્ડમાં વધારાને પહોંચી વળવા પણ પ્રયાસ થયા છે. આ સાથે જ ભાવમાં પણ વધારા ઘટાડા જોવા મળી રહ્યાં છે.
અહેવાલ : મનન દવે