હાલમાં કેટલીક સેવાભાવી એનજીઓ અને ગ્રામજનો દ્વારા જે મદદ કરવામાં આવી રહી છે તેનાથી ઢોરને ઘાસચારો મળ્યો છે, પણ પુરતો નથી. વળી કેટલોક ઘાસચારો સુકો હોવાથી પશુઓની દુધ આપવાની ક્ષમતામાં ઘટાડો થયો છે. દુઃખની વાત છે કે સરકાર દ્વારા માલધારીઓની કોઈ મદદ કરવામાં આવી નથી.
માલધારી આગેવાન ફૈઝ મોહંમદે ETV BHARATના સંવાદદાતા સાથેની ખાસ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, જ્યારે ચૂંટણી આવે છે ત્યારે અમારા ધારાસભ્ય અમને કહે છે કે, તમારા માટે અડધી રાત્રે પણ દરવાજા ખુલ્લા છે .પરંતુ, વિકટની પરિસ્થિતિમાં કોઈ આવતું નથી અને નોંધ લેતું ન હોવાનો આક્ષેપ કર્યો હતો.
ભૂખની પીડા અને વેદના વ્યકત કરતાં મોહંમદે વધુમાં કહ્યું કે, જ્યારે ખાવા માટે અમારી પાસે કઈ હતું નહિ, ત્યારે અમે બાળકોને રડતાં અટકાવવા માટે ખાવાનું બનાવીએ છીએ એમ કહી તપેલીમાં પાણી ગરમ કરતા અને બાળકો સુઈ જાય ત્યારબાદ પાણી ફેંકી દેતા, એવી રીતે પણ દિવસો કાઢ્યાં છે. જો કે, અત્યારે થોડી મદદ મળી રહી છે. જેથી થોડા દિવસોનું ગુજરાન ચાલે એટલી વ્યવ્સ્થા સરકાર દ્વારા નહિ, પરતું માનવતાના નાતે સામાન્ય લોકો દ્વારા કરવામાં આવી છે.
કલ્પના કરવાની જરૂર છે આટલી કાળઝાળ ગરમીમાં પાણી જેવી પાયાની સુવિધા પણ સરકાર દ્વારા હિજરત કરીને આવેલા આ માલધારીઓને પુરી પાડવામાં આવી નથી. સ્થાનિક ગ્રામજનો તરછોડાયેલા માલધારીઓની વ્હારે આવ્યા છે અને તેમના રહેવા માટે ખેતર અને પીવા માટે પાણીની વ્યવસ્થા સામાન્ય લોકો દ્વારા કરવામાં આવી છે. પાસે આવેલા એક બોરથી 900 જેટલા ઢોર અને માણસો પાણી પીવે છે.
સાણંદમાં ફૈઝ મોહંમદ અને અન્ય માલધારી પરીવારોને છેલ્લા 6 મહિનાથી રહેવા માટે જમીન આપનાર પંકજ મકવાણાએ જણાવ્યું કે, કોઈ મદદ કરતું નથી એટલે અમે કરીએ છીએ. માનવ સેવા એ જ પ્રભુ સેવા છે. વરસાદ પડ્યો નથી અને જો એમને મદદ ન કરીએ તો માણસો મરી જાય છે. ડ્રાઈવર ડાહ્યાભાઈ માલધારીઓ માટે ઘાસચારો લાવવા માટે પોતાની ગાડી મફત ઉપયોગમાં આપે છે.