- પોકળ સાબિત થયા ટેસ્ટિંગના દાવાઓ
- ટેસ્ટિંગ માટે લોકો ખાઇ રહ્યા છે ધક્કા
- હાલાકીનો સામનો કરી રહ્યા છે અમદાવાદીઓ
અમદાવાદ: સમગ્ર રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે અમદાવાદ મનપા દ્વારા શહેરમાં સંક્રમણ નિયંત્રણમાં લાવવા ટેસ્ટિંગના સંખ્યા વધારવામાં આવી હોવાના સતત દાવા કરવામાં આવી રહ્યા છે. આ અંગે સત્યની ચકાસણી કરવા ઇટીવી ભારત દ્વારા રિયાલીટી ચેક હાથ ધરવામાં આવ્યું હતું.
અમદાવાદની હિતા ખીમાણીને થયો કડવો અનુભવ
અમદાવાદની 20 વર્ષીય હિતા ખીમાણીની તબિયત બગડતા તે નજીકના ડોમમાં જઈ એન્ટિજન ટેસ્ટિંગ કરાવવા ગઈ. તબિયત ખરાબ હોવા છતાં તેને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા પડ્યું. વળી કેસ પોઝિટિવ આવતા તે ખાતરી માટે RT-PCR ટેસ્ટ કરાવવા ન્યુ ગોતા અર્બન હેલ્થ સેન્ટરમાં ગઈ પરંતુ ત્યાં કીટ પુરી થઇ ગઈ હોવાનું કહી દેવતા ત્યાં પણ તેને ધક્કો થયો. આમ ટેસ્ટિંગ માટે લોકોને ઘણા ધક્કા ખાવા પડી રહ્યા છે.
શું કહે છે મનપાના મેડિકલ હેલ્થ ઓફિસર?
આ મામલે જ્યારે ETV ભારતે મનપાના મેડિકલ હેલ્થ ઓફિસર ભાવિન સોલંકી સાથે વાત કરી તો તેમણે જણાવ્યું કે એક દિવસ પહેલા જે તે ડોમમાં જેટલા ટેસ્ટિંગ થયા હોય તે મુજબ જ બીજા દિવસે કીટ મોકલવામાં આવે છે. તેથી શક્યતા હોય છે કે કેટલીક જગ્યાઓએ 10 કીટ તો કેટલીક જગ્યાઓએ 40 કીટ પણ મોકલવામાં આવે.
શું છે ટેસ્ટિંગ માટેનો સમય?
અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરના જુદા જુદા સ્થળોએ કુલ 80 જેટલા ડોમ લગાવ્યા છે. જેમાં ટેસ્ટિંગ સવારે 9 થી શરુ કરી દેવામાં આવે છે અને જ્યાં સુધી લોકો આવતા રહે અથવા તો કીટ હોય ત્યાં સુધી ટેસ્ટિંગ કરવામાં આવે છે.