અમદાવાદ: શહેરમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ED)ના દરોડા સામે આવ્યા છે. જેમાં ગેરકાયદેસર ફોરેક્સ ટ્રેડિંગ કેસમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે કાર્યવાહીના ભાગ રૂપે રોકડ રકમ, કાર તેમજ બેન્ક એકાઉન્ટ ફ્રીજ કરી તપાસના ધમધમાટ શરૂ કર્યો છે.
સૂત્રોએ આપી માહિતી: સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ શહેરમાં ગેરકાયદેસર ફોરેક્સ ટ્રેડિંગ કેસમાં EDની ટીમે દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરી છે, જેમાં ટીપી ગ્લોબલ એફએક્સ ઓફિસમાં તપાસ હાથ ધરી હતી. ગેરકાયદેસર વિદેશી ચલણ વેપાર મુદ્દે કાર્યવાહીનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ તપાસ દરમિયાન અમદાવાદમાં 1.36 કરોડ રૂપિયાની રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી છે. સાથે જ 1.2 કિલો સોનું અને બે લક્ઝુરીયસ કાર પણ કબ્જે કરવામાં આવી છે. સાત બેંક એકાઉન્ટમાં રાખવામાં આવેલા 14.74 લાખ રૂપિયા પણ ફ્રીઝ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં આ કેસમાં 242.49 કરોડની મિલકત કબજે લેવામાં આવી છે. જોકે હજુ પણ આ મામલે વધુ તપાસ ED દ્વારા શરૂ છે.
મની લોન્ડ્રિંગ મુદ્દે મોટી કાર્યવાહી: ઈડીએ ઓનલાઈન ગેમ્બલિંગ એપ મહાદેવ બુકના મની લોન્ડ્રિંગ મુદ્દે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ઈડીએ આ મામલે કોલકાતા, ભોપાલ અને મુંબઈમાં છાપા માર્યા છે. આ છાપામારીમાં કુલ 417 કરોડની મિલકત જપ્ત કરવામાં આવી છે. ઈડીને આ છાપામારી દરમિયાન અનેક પુરાવા પણ હાથ લાગ્યા છે. એજન્સીએ આપેલી માહિતી અનુસાર સમગ્ર મામલાની તપાસ કરતા સામે આવ્યું છે કે છત્તીસગઢના ભિલાઈમાં રહેતા સૌરવ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ મહાદેવ ઓનલાઈન બૂકના મુખ્ય આરોપી છે. તેઓ દુબઈથી સમગ્ર સંચાલન કરતા હતા. મહાદેવ ઓનલાઈન બૂકનું હેડક્વાર્ટર યુએઈમાં હતુ અને તેઓ પોતાના પાર્ટનર્સને 70-30 ટકાનો લાભ આપતા હતા.