અમદાવાદ: 22 માર્ચ, 2020 થી પૂર્ણ લોકડાઉન અને વર્તમાન આંશિક લોકડાઉન દરમિયાન પશ્ચિમ રેલવેએ 26 જુલાઈ, 2020 સુધી 10,292 માલગાડીઓ લોડ કરી છે. જેના પરિણામ રૂપે પશ્ચિમ રેલવેને 2667 કરોડની આવક થઈ છે.
વિવિધ સ્ટેશનો પર શ્રમશક્તિની અછત હોવા છતાં વેસ્ટર્ન રેલવેએ તેની માલગાડીઓ દ્વારા દેશભરમાં જરૂરી સામગ્રીનું પરિવહન સુનિશ્ચિત કરી રહી છે. તેમાં પીઓએલના 1107, ખાતરોના 1727, મીઠાના 5559, અનાજના 105, સિમેન્ટના 794, કોલસાના 409, કન્ટેનરના 4877 અને સામાન્ય માલના 48 રેકનો સમાવેશ થાય છે. જેમાં દેશના પૂર્વીય પ્રદેશો માટે કુલ 20.98 મિલિયન ટન વજનવાળી ટ્રેનોનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, મિલેનિયમ પાર્સલ વાન અને દૂધના વેગનનાં વિવિધ રેક્સ, દવાઓ, તબીબી કીટ, સ્થિર ખોરાક, દૂધનો પાવડર અને પ્રવાહી દૂધ જેવી વિવિધ આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય માટે ઉત્તર અને ઉત્તર પૂર્વી પ્રદેશોમાં મોકલવામાં આવ્યા હતા.
કુલ 20,178 માલગાડીઓને અન્ય ઝોનલ રેલવે સાથે ઇન્ટરચેન્જ કરવામાં આવી હતી. જેમાંથી 10,082 ટ્રેનો સોંપવામાં આવી હતી અને 10,096 ટ્રેનોને પશ્ચિમ રેલવેના વિવિધ ઇન્ટરચેંજ પોઇન્ટ તરફ લઈ જવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન, પશ્ચિમ રેલવેના વિવિધ સ્ટેશનો પર મજૂરોની અછત હોવા છતાં, જમ્બોના 1338 રેક, BOXN ના 678 રેક અને BTPN ના 574 રેક્સ સહિત વિવિધ મહત્વપૂર્ણ ઈનવર્ડ રેક્સને અનલોડ કરવામાં આવ્યા હતા.
પશ્ચિમ રેલવે દ્વારા દેશના જુદા જુદા ભાગોમાં સમયબદ્ધ પાર્સલ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની ચાલુ રાખવામાં આવી છે. આમાંથી એક પાર્સલ વિશેષ ટ્રેન પશ્ચિમ રેલવે પર 27 જુલાઈ 2020 ના રોજ પોરબંદરથી શાલીમાર જવા માટે રવાના થઈ હતી.