અમદાવાદ: હાઈકોર્ટમાં પોલીસ તરફે રજૂ કરાયેલા સોંગદનામાં જણાવ્યું હતું કે, 2015માં પાટીદાર અનામત આંદોલન થયેલી હિંસા બાદ 55 FIR દાખલ કરવામાં આવી હતી. જે બાદ 2016માં ઉનાકાંડની ઘટના બાદ થયેલી હિંસા પછી 28 રેલીઓ થઈ અને 336 લોકોની અટકાયત કરવામાં આવી હતી. 2018માં સાબરકાંઠામાં પર-પ્રાંતીય દ્વારા બાળકી પર કરાયેલી દુષ્કર્મની ઘટના બાદ થયેલી હિંસા પછી 18 FIR દાખલ કરવામાં આવી હતી. પદમાવતી ફિલ્મના વિરોધમાં તોડફોડની ઘટના થઈ હતી, અને 2019માં CAA - NRCના વિરોધ દરમિયાન થયેલી હિંસા અને નિત્યાનંદ આશ્રમ વિવાદ સહિતની ઘટનાઓને ધ્યાનમાં રાખીને વારંવાર કલમ 144 લાગુ કરવી પડે છે. અમદાવાદ સિવાય રાજ્યના અનેક શહેરોમાં પણ હિંસા અને પડઘા પડતા હોવાથી ત્યાં પણ 144 લાગુ કરવામાં આવે છે.
હાઈકોર્ટમાં પોલીસ વિભાગ દ્વારા રજૂ કરાયેલા સોંગદનામાં રજૂઆત કરવામાં આવી છે કે, ગત વર્ષે જાહેર કાર્યક્રમ માટે પોલીસને 7,540 અરજીઓ મળી હતી. જેની સામે પોલીસ દ્વારા 7,240 જેટલી અરજીઓ મંજૂર કરવામાં આવી છે. જે 96 ટકા જેટલું થાય છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા CAA-NRCના વિરોધ માટે 10 કાર્યક્રમોની મંજૂરી પણ આપી છે. હાલમાં પણ બાપુનગર-ગોમતીપુર અને અન્ય સ્થળે ધરણાં પ્રદર્શન ચાલી રહ્યાં છે. પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે 144 લાગુ કરાય છે. 10મી જાન્યુઆરીના રોજ પોલીસ વિભાગ દ્વારા જે ધારા 144નું સોંગદનામું રજૂ કરવામાં આવ્યું, તે સમાચાર અને અન્ય પ્રચારના માધ્યમથી લોકો સુધી પહોંચાડવામાં આવ્યું છે, જ્યારે તેની નકલ દરેક પોલીસ સ્ટેશનને મોકલવામાં આવી છે. પોલીસે ચોરીની ઘટનાઓને ડામવા, ટ્રાફિક મેનેજમેન્ટ સહિતની બાબતો માટે કલમ 144 જરૂરી હોવાનો દાવો કર્યો હતો.
અગાઉ ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ એસ. એચ. વોરાએ મહત્વનું અવલોકન કરતાં નોંધ્યું હતું કે, શહેરમાં પાછલા ત્રણ વર્ષથી લાગુ ધારા 144નો અર્થ એવો પણ થાય છે, કે લોકો અહીં સલામત નથી. આટલા લાંબા સમયથી 144 લાગુ કેમ છે, એ મુદ્દે સરકાર બે દિવસમાં જવાબ રજૂ કરે.
હાઈકોર્ટે મહત્વનું અવલોકન કરતા નોંધ્યું હતું કે, ધારા 144નું કારણ અને શા માટે લાગુ કરવામાં આવે છે. તે રેકોર્ડ કરવું જરૂરી છે. કોઈ જગ્યાએ 144 શા માટે લાગુ કરવામાં આવી છે. એનું કારણ જાણવું જરૂરી છે, કારણ કે કોઈ દિવસે પાનના ગલ્લે જો 4- 5 લોકો ઉભા હશે, તો પણ પોલીસ ધારા 144 હેઠળ અટકાયતના ભયથી લોકો બહાર ભેગા થવાનું ટાળશે. આ મુદ્દે સરકારી વકીલ મિતેષ અમીન દલીલ કરી હતી કે, પોલીસે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવા માટે કુલ 107 વખત પરવાનગી આપી છે. જેના હેઠળ જમાંથી કેટલીક મંડળીઓમાં હિંસાની ઘટના બની છે.
અરજદાર વતી વકીલ મિહીર જોષીએ રજૂઆત કરી હતી કે, છેલ્લા ત્રણ વર્ષથી કોઈને કોઈ કારણથી ધારા 144 લાગુ કરી દેવાય છે. આ આદેશને પ્રકાશિત પણ કરવામાં આવ્યું નથી, ત્યારે CAB અને NRCનું IIM બહાર શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરતા વિધાર્થીઓને ડિટેઈન કરવામાં આવ્યા હતા. વાંરવાર ધારા 144ને લાગુ કરવું એ બંધારણના અનુચ્છેદ 19(1)નું ઉલ્લંઘન છે.
અરજદારે ધારા 144ના આદેશને રદ્દ કરવા માટે હાઇકોર્ટના હસ્તક્ષેપ માટે અરજી કરી હતી. જેથી અમદાવાદના નાગરિકો વ્યવસ્થિત રીતે ભેગા થઈ વાણી અને અભિવ્યક્તિ સ્વતંત્રતાને માણી શકે. 16મી ડિસેમ્બરના રોજ આઈઆઈએમ કેમ્પસ બહાર CAA અને NRCના વિરોધમાં શાંતિપૂર્ણ વિરોધ કરતા વિદ્યાર્થીઓને પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા હતા. તેનાથી વ્યથિત થઈને હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.
અરજદાર આક્ષેપ કર્યો હતો કે, પોલીસ દરેક સમય આવા નવા નવા આદેશ બહાર પાડે છે. એક આદેશના પુરા થયા બાદ બીજો આદેશ બહાર પાડવામાં આવે છે. જેથી લોકોની વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર તરાપ છે. લોકો ગીત કે, બેનરો બતાવી શાંતિપૂર્ણ રીતે પોતાનો વિરોધ પ્રદર્શન કરી શકતા નથી.