અમદાવાદ: સમગ્ર વિશ્વમાં દિવસેને દિવસે કોરોનાનું કહેર વધતો જાય છે. ત્યારે ભારતમાં પણ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો દિવસેને દિવસે વધતો જાય છે. તેવામાં સાબરમતી નદી કિનારાના આસપાસમાં તેમજ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પણ રવિવારે દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
સરકાર દ્વારા નાનામાં નાના વિસ્તારોમાં પણ કોરોનાના કહેરથી બચવાના કોઈ પ્રયાસ રહી ન જાય તે હેતુથી જ્યાં મોટા વાહનો જઈ શકે તેમ નથી, તેવી જગ્યાઓમાં માનવ સાધનોનો ઉપયોગ કરી અને પંપ દ્વારા આ મહામારીથી બચવા માટેના ઉપાયોનો અમલ કરવામાં આવી રહ્યો છે. નદી કાંઠા પાસે આવેલા વિસ્તારોના અમુક નાના કાચા મકાનો તેમજ સાંકડી ગલીઓ અને ગાયો-ભેંસો બાંધવાના ગમાણમાં પણ દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો હતો. જેના કારણે કોરોના જેવી મહા ભયાનક બિમારી આગળ વધી ન શકે.
આમ તંત્ર દ્વારા શરૂઆતના દિવસોમાં જ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું અને રવિવારે દવાઓનો છંટકાવ કરવા ઉપરાંત લોકોને પોતાના ઘરમાં જ lockdown રહેવાના સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંના કારણે પણ કોરોનાને નાથી શકાય તેમ છે. દવાઓના છંટકાવ કરતી વખતે ખુબજ ચીવટ અને ઝીણવટ ભરી તકેદારી રાખવામાં આવી હતી કે, આ દવાઓનો કોઈ નાના બાળકો તેમજ વૃદ્ધો સુધી તેની અસર ન વર્તાય.