અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે હિતેન વસંત અને અનિતા દુઆના આગોતરા જામીન 25 હજાર અને 10 હજારના પર્સનલ બોન્ડ પર જામીન મંજૂર કર્યા હતા. હાઈકોર્ટે નોંધ્યું હતું કે, તપાસ એજન્સી કે પોલીસને તપાસ માટે આરોપીઓના રિમાન્ડની જરૂર હોય તો તેઓ મેજીસ્ટ્રેટ સમક્ષ આ અંગે અરજી કરી શકે છે. જો કે, બન્ને અરજદારો પાસે રિમાન્ડથી બચવા અને તેના પર સ્ટે મેળવવાનો પણ અધિકાર છે.
નોંધનીય છે કે, ઘણા સમયથી હાઈકોર્ટે બંને આરોપીઓ સામે આગામી આદેશ સુધી કોઈ પગલા ન લેવાનો આદેશ કર્યો હતો અને ત્યારબાદ તેમાં વધારો પણ કરવામાં આવ્યો હતો. આ કેસની મુખ્ય આરોપી પૂજા મંજુલા શ્રોફના પણ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આગોતરા જામીન મંજૂર કરવામાં આવ્યા હતા.
અમદાવાદ મીરજાપુર ગ્રામ્ય કોર્ટ દ્વારા ત્રણે આરોપીઓના આગોતરા જામીન ફગાવી દેવાતાં તેમને ધરપકડ ટાળવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. શિક્ષણ વિભાગ દ્વારા બોગસ NOC રજૂ કરવા મુદ્દે DPS સ્કૂલ સંચાલક પૂજા શ્રોફ, ટ્રસ્ટી હિતેન વસંત અને પૂર્વ પ્રિન્સિપાલ અનિતા દુઆ સામે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, NOC ગુજરાત સરકારની ન હોવાથી CBSEએ DPS સ્કૂલની માન્યતા રદ્દ કરી હતી.