અમદાવાદઃ શહેરની બી.જે મેડિકલ કોલેજના પ્રોફેસર ઓફ મેડિસિન અને સિવિલ હોસ્પિટલના મેડિસિનલ વિભાગના વડા ડો. કમલેશ ઉપાધ્યાયે કોરોના વિશે વિગતવાર સમજણ આપતાં જણાવ્યું હતું કે, 1960માં પહેલીવાર કોરોના વાયરસે દેખા દીધી હતી. 40 વર્ષ પછી આ વાયરસે આંખ લાલ કરી છે. 2003માં આ વાઇરસે સાર્સ નામે દેખા દીધી હતી, જે ચામાચીડિયામાંથી આવ્યો હતો. સામાન્ય રીતે તાવ, ઝાડા ઉલટી, એટલે કે ફ્લૂના લક્ષણો ધરાવતો આ રોગ 2019ના ડિસેમ્બર મહિનામાં દેખાયો હતો અને 2020ની 7 જાન્યુઆરીએ આ રોગ કોરોના એટલે કે કૉવીડ 9 વાયરસ તરીકે જાહેર થયો હતો. 100 વ્યક્તિઓને ગળું પકડાવવાની શરૂઆત થાય છે.
તેમાંથી 85થી 90 વ્યક્તિઓ સારા થઈ જાય છે. 100માંથી 10 વ્યક્તિઓને આ વાઇરસ ગળાથી નીચે ઉતરે છે અને ન્યૂમોનિયા જેવાં લક્ષણો દેખાય છે, ત્યારબાદ ઓક્સિજન અને પછી વેન્ટિલેટરની આવશ્યકતા ઊભી થાય છે. કેટલાક કેસોમાં 24થી 36 કલાકમાં જ શ્વાસ ચડવાની દર્દી ગંભીર થઈ જાય તેવી સ્થિતિ સર્જાય છે. તેમણે કહ્યું હતું કે, કોરોનાથી રક્ષણ મેળવવા અનુશાસનપૂર્વક 21 દિવસ ઘરમાં રહેવું ખૂબ જરૂરી છે. આ માત્ર અનુશાસન નહીં પણ આત્માનું શાસન હોવું જોઈએ.
કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરતાં ડોક્ટરોએ ચૈત્રી નવરાત્રિના ઉપવાસ ટાળવા: ડૉ. કમલેશ ઉપાધ્યાય આજથી ચૈત્રી નવરાત્રિનો શુભારંભ થયો છે. ઘણાં લોકો આ નવરાત્રિ દરમિયાન અનુષ્ઠાન અને ઉપવાસ કરતાં હોય છે. કોરોનાની આ સ્થિતિમાં અને લૉકડાઉન દરમિયાન ચૈત્રી નવરાત્રિના ઉપવાસ કેટલા યોગ્ય છે ? તેવો પ્રશ્ન ઉપસ્થિત થતાં ડો.ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, ઉપવાસ એ મનની શક્તિ વધારે છે. જે વ્યક્તિ અનુકૂળ પરિસ્થિતિમાં હોય તે ઉપવાસ કરે તો વાંધો નથી, પરંતુ જે ડોક્ટરો કોરોનાના દર્દીઓની સારવારમાં છે, જે કર્મચારીઓ કોરોના દર્દીઓની સાથે છે અને વિશેષ પ્રકારના પહેરવેશ સાથે ફરજ બજાવે છે. તેઓ ઉપવાસ ન કરે તે સલાહભર્યું છે. કોરોનાનો વ્યાપ ત્રણ રીતે વધે છે. શરૂઆતમાં કેસ હોય તે પછી ક્લસ્ટરમાં જોવા મળે, ત્યારબાદ કોમ્યુનિટીમાં ફેલાય તેવુ ન થાય તે માટે આ 21 દિવસ અતિ મહત્વના છે. કોરનાના કહેરથી બચવા દરેક વ્યક્તિએ ઘરમાં પણ એકબીજાથી ઓછામાં ઓછું એક મીટરનું અંતર રાખીને બેસવું જોઈએ. લોકો સ્વયંભૂ ઘરમાં રહે તો ગુજરાતમાં અને ભારતમાં કેસ નહીં વધે. અન્ય દેશોએ ગંભીરતા નથી રાખી એટલે ત્યાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. આપણે હૉમ ક્વૉરેન્ટાઈન અને લૉકડાઉનથી કોરોના સામે અસરકારક લડાઈ લડી શકીએ તેમ છીએ. તેઓએ વધુમાં કહેતા એવુ પણ કહ્યું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 200 પથારીની સુવિધાવાળી સ્પેશિયલ કોવીડ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વડોદરા, સૂરત અને રાજકોટમાં પણ અત્યંત આધુનિક સુવિધાઓ સાથે કોવીડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. ગુજરાતમાં નાગરિકો સહયોગ આપે, કોઈએ ગભરાવાની જરૂર નથી. રાજ્ય સરકારે દર્દીઓ માટે- નાગરિકો માટે પૂરતી વ્યવસ્થા કરી છે.