અમદાવાદ: સતત 120 દિવસથી એકપણ દિવસ રજા લીધા વિના કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરી રહેલા ડૉ. રાજેશ સોલંકી અને ડૉ. ચિરાગ પટેલને કોવિડ હોસ્પિટલમાં શ્રેષ્ઠ કામગીરી બદલ બી.જે.મેડીકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ દ્વારા કોરોના વોરિયર્સ ‘સ્ટાર ઓફ ધ મન્થ’નો એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
રેસપિરેટરી મેડિસીન વિભાગના વડા ડૉ. રાજેશ સોલંકી અને ઈમરજન્સી મેડિસીન વિભાગના ઈન્ચાર્જ હેડ ડૉ. ચિરાગ પટેલ સતત 14થી 16 કલાક સુધી કોરોનાના વોર્ડમાં હાજર રહી કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા કરી રહ્યા છે. આ બન્ને ડોક્ટર્સએ અનેક દર્દીઓની સારવાર કરી છે તેમની નજર સમક્ષ મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓ સારા થઈને ઘરે પરત ફર્યા છે.
આ અંગે ડૉ. રાજેશ સોલંકીએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલના સૌ ડૉક્ટર્સ અને તમામ સ્ટાફની ટીમવર્કના પરિણામે જ કોરોનાને નિયંત્રિત કરવામાં તેમને સફળતા સાંપડી છે. અનેક દર્દીઓ સાથે એક પ્રકારની આત્મીયતા બંધાઈ ચુકી છે. સ્ટાફ ઑફ ધી મન્થ એવોર્ડનું સન્માન તેમના અન્ય ડૉક્ટર્સ અને રેસિડન્ટ ડૉક્ટર્સ માટે પ્રોત્સાહનરૂપ બની રહે છે.
જ્યારે ડૉ. ચિરાગ પટેલે જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીમાં ટ્રાએજ એરિયાની ડ્યુટી ખૂબ જ પડકારજનક હોય છે. આ વિકટ સ્થિતિમાં ફરજ બજાવીને તે પરિપક્વ બન્યા છે. કોવિડ હોસ્પિટલની કામગીરી તેમનો જીવનભરનો અનુભવ રહેશે. હોસ્પિટલ દ્વારા તેમની આ કામગીરીની નોંધ લઈ તેમને સન્માનિત કરવામાં આવ્યા છે.
તો સિવિલ હોસ્પિટલના સુપ્રિટેડન્ટ જે.પી.મોદીએ પણ આ વિશે જણાવ્યું હતું કે, આ બંન્ને ડૉક્ટર્સ તેમની સંસ્થાના મુખ્ય આધારસ્તંભ છે. સિવિલની ગરિમા જાળવી રાખવામાં તેમનો સિંહફાળો છે જેનું અમારી હોસ્પિટલને ગૌરવ છે. આ બંન્ને ડોક્ટર્સએ કોરોના સામેની જંગમાં અવિરત સેવાઓ આપીને કર્તવ્યનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે.