ન્યુઝ ડેસ્ક : અમદાવાદના મોટેરા સ્ટેડિયમનું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે. આ સાથે જ આધારભૂત સૂત્રોના જણાવ્યાં મુજબ મોટેરા સ્ટેડિયમ જે 1 લાખ જેટલા લોકોને સમાવવાની કેપેસીટી ધરાવે છે, ત્યાં 3 લાખથી વધુ લોકોને લાવવાનો ટાર્ગેટ કરાયો છે. એટલે કે ટ્રમ્પના ગુજરાત પ્રવાસમાં લાખોની જનમેદની દેખાડવાનો તંત્રએ પ્લાન બનાવ્યો છે. ભાજપના જ ટોચના આંતરિક સૂત્રોનું કહેવું છે કે, આ માટે 10,000થી 1 લાખ નાગરિકોને જિલ્લાદીઠ લાવી અમદાવાદમાં ખડકી દેવાનો ટાર્ગેટ અપાયો છે. આ માટે લાખો રૂપિયાનો ખર્ચ થશે તેવી ગણતરી છે.
તેમાંય વળી, ટ્રમ્પના આગમનથી માંડી તેમની દરેક કાર્યક્રમમાં ભીડ દેખાય તે રીતે આયોજન કરાયું હોવાના અહેવાલ છે. એટલે કે તેઓ અમદાવાદ એરપોર્ટ પર ઉતરે ત્યારે તેમના સ્વાગતમાં પણ હજારો લોકો દેખાય, બાદમાં મોટેરાના કાર્યક્રમમાં પણ લાખો લોકો હાજર રહે અને તેમની 22 કિલોમીટરની રેલીમાં પણ ઠેર-ઠેર લોકોના હુજુમ દેખાય તે માટે રાજ્યભરમાંથી 3 લાખથી વધુ લોકોને લાવવાની તૈયારીઓ કરાઈ હોવાની માહિતી મળી છે. આ સાથે જ કાર્યક્રમમાં સામેલ થવા આવનારા લોકોને સારા વસ્ત્ર પરિધાનમાં ઉપસ્થિત રહે તે દિશામાં પણ તૈયારીઓ કરી હોવાની વિગતો સામે આવી છે. ઉપરાંત આ તમામ લોકોને લાવવાથી માંડી તેમને રોકાવવાની જવાબદારીઓ જિલ્લાના આગેવાનોને સોંપી દેવાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
આ કાર્યક્રમમાં ભાગ લેનારા લાખો લોકોનું પોલીસ દ્વારા વેરીફિકેશન થશે અને આઇકાર્ડ બનાવી આપવામાં આવશે. ટ્રમ્પના આ કાર્યક્રમ પાછળ બ્યુટીફીકેશનના નામે કરોડો રૂપિયા ખર્ચ થવાનો અંદાજ છે.